સુરેન્દ્રનગરઃ લોકડાઉન 4માં છૂટછાટ આપ્યા બાદ હવે ધીમે ધીમે કોરોનો વ્યાપ ગુજરાતના મોટા શહેરથી આગળ વધીને નાના શહેર અને ગામડામાં ફેલાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વધુ 4 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લાના લખતર અને મુળી તાલુકામાં નવા કેસ નોંધાયા છે.


મળતી માહિતી મુજબ મુળી તાલુકાના મુળી, ટીડાણા અને દાણાવાડા ગામમાં ૩ અને લખતર તાલુકાના ઇંગરોળી ગામમાં ૧ કોરોના પોઝિટિવ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

તમામ ચારેય કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તમામની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ હોવાનું બહાર આવ્યું છે.

આ સાથે જ સુરેન્દ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 20 પર પહોંચી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી કુલ 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 17 હજુ પણ એક્ટિવસ કેસ છે.

રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 52 દર્દી વેન્ટિલેટર પર છે અને 6597 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5488 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 166152 ટેસ્ટ થયા જેમાંથી 12910 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.