Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડ જામી રહી છે.  મીની વેકેશનના પહેલાં દિવસે શનિવારે 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. જયારે રવિવારના દિવસે 80 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા હતા. આજે સોમવારે પણ જાહેર રજા હોય અને નાતાલનો પર્વ છે ત્યારે આજે પણ 50 હજારથી વધુ પ્રવાસીઓ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.




રવિવારે એક જ દિવસમાં 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. મિની વેકેશન હોવાથી શનિ અને રવિવાર એમ બે દિવસ દરમિયાન એક લાખ 20 હજાર મુલાકાતીઓ નોંધાયા હતા. પ્રવાસીઓના ધસારાને જોતા આજે સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે. સામાન્ય રીતે દર સોમવારે મેઇન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે. પણ નાતાલનો તહેવાર હોવાથી પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રહેશે. એસટી વિભાગે પણ વધારાની બસો દોડાવવા આયોજન કર્યું છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.


નાતાલના તહેવારમાં ગિરનાર,સાસણ સહિતના સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓની ભીડ ઉમટી હતી. સાસણમાં 1100,દેવળિયા સફારીપાર્કમાં પાંચ હજાર પ્રવાસીઓ ઉમટ્યા હતા. ગિરનારમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. 6500 યાત્રિકોએ રોપ વેની સફર માણી હતી.


અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થશે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. આ વખતે વસુધૈવ કુંટુંમ્બકમ-એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાશે. તો રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેસર શોનું આયોજન કરાયું છે. કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં લોકસંગીતકારો અને હાસ્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે. તો સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ પોલીસે એક્શન પ્લાન કર્યો છે. જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઇ, 66 પીએસઆઈ, 963 પોલીસ જવાનો, 200 મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો સહિત ૧૩૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.