ગુજરાતનો વધુ એક નેશનલ હાઈવે 4-લેન બનશે, કેન્દ્ર સરકારે ₹૮૨૫.૭૨ કરોડ મંજૂર કર્યા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વિશેષ પેકેજની જાહેરાત, વાહનચાલકોમાં આનંદની લાગણી.

Pardi-Kaparada National Highway: વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના સતત અને અથાગ પ્રયાસોને આખરે સફળતા મળી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૮૪૮ ના પારડી (રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮) જંકશનથી સુકેશ-નાનાપોંઢા-કપરાડા સુધીના ૩૭.૦૮ કિલોમીટર લાંબા ભાગને પેવ્ડ શોલ્ડર સાથે વિભાજિત કેરેજવે સાથે ૪-લેન બનાવવા માટે રૂપિયા ૮૨૫.૭૨ કરોડ મંજૂર કર્યા છે.
કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીજી દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સત્તાવાર X એકાઉન્ટ પર કરવામાં આવતા વાહનચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. સાંસદ ધવલ પટેલે આ સિદ્ધિ બદલ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ટ્રેન્ડિંગ




વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દેશભરમાં વિકાસ કાર્યોને સતત વેગ આપી રહી છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૮૪૮ ની આ પરિસ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીને વારંવાર રૂબરૂ મળીને રજૂઆતો કરવામાં આવી હતી. તેમના આ સતત પ્રયાસોના પરિણામે ગડકરીજી દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૮૪૮ ગુજરાતના વલસાડ નજીક પારડીને મહારાષ્ટ્રના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર થાણેથી નાસિક થઈને જોડે છે.
સાંસદ ધવલ પટેલે આ રસ્તાઓની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગત ૧૨મી માર્ચના રોજ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીજી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ આ પ્રોજેક્ટને મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયની જાહેરાત તેમણે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર શેર કરતાની સાથે જ આ માર્ગ પરથી રોજિંદા અવરજવર કરતા હજારો વાહનચાલકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
સાંસદ ધવલભાઈ પટેલે દેશના લોકોની ચિંતા કરતા અને વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીજીનો આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોને અવરજવરમાં ઘણી સરળતા રહેશે અને વિકાસને પણ નવી ગતિ મળશે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના ૧૪ કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકારે ₹ ૭૦૫ કરોડ મંજૂર કર્યા હતા. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અગાઉ આ અંગેની જાહેરાત કરી હતી. આ ફોર લેન બાયપાસ બનવાથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા ઘટ્યો હતો અને મહેસાણા તેમજ શામળાજી તરફ જતો ટ્રાફિક પણ સરળ બન્યો હતો.