Reservoirs of Gujarat: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૮.૯૧ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૫.૭૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૧૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૩૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૮.૭૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૨.૫૯ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૦.૮૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૪૫,૫૧૫.૧૮ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૩.૪૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૬૯.૮૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૬.૦૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૧.૬૩ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૬.૭૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૨.૩૯ ટકા જળસંગ્રહ થયો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૧ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૨૮ જળાશયો મળી કુલ ૮૯ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૧ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૫ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.


ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ રહેશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડશે.


આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે ત્યારે મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે. જોકે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો રહેતો હોય છે પરંતુ આ વર્ષે ભારે ભેજના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે.


અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સોમાલિયા તરફથી આવતા પવન ભારે ભેજ લઇને આવશે એટલે વરસાદનું વાહન ભારે રહેશે. સાબરમતી અને નર્મદા નદીના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.


આજથી 9મી ઓગષ્ટ સુધી ભારે પવન સાથે ભારે વરસાદ રહેશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 કી.મી પ્રતિ કલાક કરતા વધુની ઝડપનો પવન ફુંકાઈ શકે છે.