બનાસકાંઠા: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે છ વાગ્યા સુધી વાવમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

સોમવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદ આંકડા પર એક નજર કરીએ તો વાવમાં 230 મીમી, થરાદમાં 171 મીમી, દિયોદરમાં 102 મીમી, લાખણીમાં 50 મીમી, ભાભરમાં 40 મીમી અને કાંકરેજમાં 35 મીમ વરસાદ નોંધાયો હતો. (જો તમારે ઈંચમાં ગણતરી કરવી હોય તો - 25 મીમી એટલે 1 ઈંચ વરસાદ)

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં મેઘરજ તાલુકામાં 1.3 ઇંચ, મોડાસા-માલપુર અને ભિલોડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં અંદાજે 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે કપાસ, મગફળી, મકાઈ સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં હજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

29મી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. રવિવારથી 4 દિવસ રાજ્યમાં તોફાની વરસાદ થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.