નેપાળમાં ભગવાન પશુપતિનાથજીના દર્શને ગયેલા વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના 9 યુવક પૂરમાં ફસાઈ ગયા હતા. યુવકો દર્શન કરવા પોતાની કાર લઈને નેપાળ ગયા હતા. નેપાળમાં પૂરમાં તમામ ફસાઈ જતા પરિવારને આ અંગે જાણ કરી હતી. જેથી પરિવારે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. આ અંગે સાંસદ ધવલભાઈ પટેલે તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ફસાયેલા 9 યુવકને બચાવી લેવા અંગે જાણ કરી હતી.






જેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેપાળ સરકાર અને નેપાળમાં રહેલી ભારતીય એમ્બસીને જાણ કરી હતી. નેપાળ સરકારે તમામનું સલામત રીતે રેસ્ક્યુ કરી નેપાળ સ્થિત ઈન્ડિયન એમ્બસીને સોંપ્યા હતાં. તમામનો આબાદ બચાવ થતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો. તમામ સલામત સ્થળે પહોંચી ગયા બાદ સાંસદ ધવલ પટેલ સાથે વીડિયો કોલ કરીને ગૃહમંત્રી અમિત શાહ તથા ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.


નોંધનીય છે કે નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 200ના મોત થયા છે. હજુ પણ ત્રીસથી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તો ભારતે પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યાં છે.  જ્યારે બિહારમાં પણ હજુ પૂરનું સંકટ યથાવત છે. નેપાળ પોલીસે આપેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 200 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 194 લોકો હજુ પણ ઈજાગ્રસ્ત છે. નેપાળની પરિસ્થિતિને લઈ ભારતે પોતાના નાગરિકો માટે ચિંતિત છે. એટલે કે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે સોશલ મીડિયા પર પોસ્ટ કરી હેલ્પલાઈન નંબર જાહેર કર્યાં હતા. જેમાં નેપાળમાં જે પણ ભારતીયો નાગરિકોને મદદની જરૂર હોય તે હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરી શકે છે.


નેપાળમાં પૂરથી ભારતના બે રાજ્ય ઉત્તર પ્રદેશ અને બિહાર પ્રભાવિત થઈ શકે છે. કેમ કે આ બંન્ને રાજ્યની સીમા નેપાળ સાથે જોડાયેલી છે. બિહારમાં કોસી, ગંડક, મહાનંદા સહિતની નદીઓના કારણે 16 જિલ્લામાં પૂરની અસર જોવા મળી રહી છે. પૂર્વી અને પશ્ચિમી ચંપારણ, કટિહાર, અરરિયા, કિશનગંજ, ગોપાલગંજ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા અને 10 લાખ લોકો પ્રભાવિત છે. ત્યારે NDRF અને SDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. મકાનો અને દુકાનોમાં પણ પાણી ભરાયા છે.