ગુજરાત સહિતના રાજ્યમાં ભારે વરસાદ બાદ પૂરના કારણે કરોડોનું નુકસાન થયું છે. ત્યારે કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજ્ય માટે સહાયની જાહેરાત કર્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી પૂર અસરગ્રસ્ત ગુજરાત, મણિપુર અને ત્રિપુરા માટે 675 કરોડ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતને 600 કરોડ, મણિપુરને 50 કરોડ અને ત્રિપુરાને 25 કરોડ રૂપિયાની સહાય કરાશે.જ્યારે આ વર્ષે કેન્દ્ર સરકારે SDRFમાંથી 21 રાજ્યોને 9044.80 કરોડ અને 15 રાજ્યોને NDRFમાંથી 4528.66 કરોડ રૂપિયાની સહાય કરી છે.
ગુજરાતમાં કેન્દ્રની ટીમ 15 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની મુલાકાતે હતી. રાજ્યના પૂર અસરગ્રસ્ત વડોદરા સહિતના 14 જિલ્લામાં નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 900 કરોડની નુકસાની થઈ હોવાનું રાજ્યની ટીમની તપાસમાં બહાર આવ્યું.. જોકે કેન્દ્રીય ટીમે સમીક્ષા કર્યા બાદ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોને લઈને 600 કરોડ રૂપિયાની સહાયની ફાળવણી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ આ મહિને પ્રથમ વખત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત જાહેર સભામાં કહ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. આવો વરસાદ પહેલા ક્યારેય થયો નથી. જેના કારણે જાન-માલને ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ગુજરાતના લોકોને મદદ કરવાની તૈયારી કરી રહી છે.
કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 145.21 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 140.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની સિઝનનો મધ્ય ગુજરાતમાં 131.63 ટકા તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 113.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો