જોકે અગાઉ દ્વારકામાં એક નાગરિકને ભારતીય નાગરિકતા આપવામાં આવ્યા બાદ હવે મોરબીમાં ત્રણ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે અને આગામી દિવસોમાં વધુ શરણાર્થીઓને નાગરિકતા મેળવીને સ્વમાન સાથે ભારતમાં વસવાની અને જીવવાની તક મળશે તો આવો જોઈએ શરણાર્થીઓને નાગરિકતા મળવાનો આ વિશેષ અહેવાલ.
પાકિસ્તાનીથી આવેલા શરણાર્થીઓ મોટી સંખ્યામાં મોરબી જીલ્લામાં વસે છે. અંદાજે 1000 જેટલા નાગરિકો મોરબીમાં આવીને વસ્યા છે જેમાંથી 950 લોકોએ નાગરિકતા મેળવવા માટે અરજી કરેલ છે. તેમાંથી 387 લોકોની નાગરિકતા પ્રક્રિયા ચાલતી હોય જેથી ટુંક સમયમાં તે લોકોને નાગરિકતા મળી જશે તેવું જાણવા મળ્યું હતું.
કેન્દ્ર સરકારે હવે નાગરિકતા કાયદામાં સંશોધન કરીને સુધારો કર્યો છે. જેથી શરણાર્થીઓને હવે નાગરિકતા મળવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી નજીક યોજાયેલ સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઉપસ્થિતિ ત્રણ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળે તે માટે સરકારે આવકારદાયક પ્રયાસ કર્યાં છે અને મોરબી જીલ્લામાં વસતા અન્ય શરણાર્થીઓને પણ આગામી દિવસોમાં ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
આ યોજાયેલ સમારોહમાં ત્રણ શરણાર્થીઓને નાગરિકતા મળી છે અને તે ઉપરાંત નાગરિક સંશોધન કાયદા વિષે જન જાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત વિરોધ અંગે સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું કે, સરકારે જાહેરમાં વિશ્વાસ અપાવ્યો છે કે આ બિલથી દેશના લઘુમતી સમાજને કોઈ નુકશાન નહીં થાય અને કોઈની નાગરિકતા છીનવી લેવામાં નહીં આવે. પાકિસ્તાન જેવા દેશોમાંથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવા માટે સરકાર આ કાયદો લાવી છે.