રવિવારે ઉંઝામાં પાટીદારોની મેદનીથી હૈયે હૈયું દળાય તેવી વકી છે. આજના દિને અનેક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે. અંતિમ દિવસ રાસ ગરબા અને ભવ્ય આતશબાજી સાથે આજે કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજના અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, શનિવારે 10 લાખ શ્રદ્ધાળુઓએ માના દર્શન કર્યો હતો અને યજ્ઞનો લ્હાવો લીધો હતો. શનિવારે છત્તીસગઢના મુખ્યમંત્રી બઘેલ સહીત રાજ્યના મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતાઓ માના ધામે પહોંચ્યા હતા.
આજે દ્વારકા શારદાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આશિર્વચન પાઠવશે. જ્યારે રાતે કિર્તીદાન ગઢવી, સાગર પટેલ સહિતના કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે.
ગઈકાલે ઉંઝામાં વાહનોની 15 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. વાહનોની વ્યવસ્થા માટે 30,0000 સ્વયંસેવકો જોડાયા હતાં. ‘લક્ષચંડી મહાયજ્ઞ’નો કાર્યક્રમ મેનેજમેન્ટ એક મિસાલ સાબિત થયું છે. પ્રથમ ત્રણ દિવસમાં 6 લાખ શ્રદ્ધાળુઓએ માના આશિર્વાદ લઈને ભોજન પ્રસાદ પણ લીધો હતો.
500 વીઘાં વિસ્તારમાં ફેલાયેલા ઉમિયાનગરમાં 18મી ડિસેમ્બરથી શરૂ થયેલા ‘લક્ષચંડી મહાયજ્ઞ’માં અત્યાર સુધીમાં 45 લાખથી વધુ લોકો આવ્યા છે. પાટીદારોને લઈ જવા માટે સોલા ઉમિયા કેમ્પસ, વસ્ત્રાલ અને નરોડાથી સ્પેશિયલ બસો મૂકાઈ છે.