સુરેન્દ્રનગર: જિલ્લાના ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારના જસાપર ગામની સીમમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત 80થી વધુ બકરાઓનાં પણ મોત થયા છે. હાલ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજરોજ બપોરના સમયમાં ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં કડાકા અને ભડાકા સાથે વીજળી અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વ્રજપરનો યુવાન જસાપરની સીમમાં પોતાના બકરાઓ ચરાવી રહ્યો હતો એ દરમિયાન વીજળી પડતાં યુવાનો મોત નીપજ્યું સાથે 80 થી વધુ બકરાના પણ મોત થયા હતા. મૃતક યુવકનું નામ  ચેતન સેલાભાઇ ભરવાડ છે અને તેમની ઉંમર 25 વર્ષની હતી.


 



આગામી 3 કલાકમાં રાજ્યના આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ


કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે ફરી મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી ત્રણ કલાકમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ , સુરેન્દ્રનગર , અમદાવાદ , ભરૂચ , વડોદરા , નર્મદા , ડાંગ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ  પવનની ગતી 40 કિ.મી પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.


 રાજ્યમાં હજુ પણ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી


 હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી પણ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 થી 6 મે સુધી સામાન્ય વરસાદ રહેશે, 7 મે થી વરસાદની અસર બંધ થશે. કચ્છ, દ્વારકા , પોરબંદર , જૂનાગઢ , ગીરસોમનાથ , રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત , વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને તાપીમાં પણ વરસાદ આવી શકે છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં, 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે.  


મે મહિનામાં શિયાળાનો અહેસાસ !


મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ અને વરસાદ સાથે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની માહિતી મુજબ આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં આવું જ હવામાન રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવની કોઈ શક્યતા નથી. વિભાગ અનુસાર, બુધવારે (3 મે) દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની સંભાવના છે.