ભાવનગર: મહુવા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે છ વર્ષના માસુમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કારણ કે મહુવાના ખોડીયાર નગર વિસ્તારમાં 15 દિવસથી વરસાદના પાણી ભરાયેલા છે જેનો નિકાલ કરવા માટે સ્થાનિક રહીશો અને ભાજપના નગરસેવક દ્વારા સતત નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદો કરી. પરંતુ કોઈ કામગીરી નહીં કરતા છ વર્ષનો બાળક રાજ શાળાએ જઈ રહ્યો હતો એ દરમિયાન ઝેરી જીવજંતુ કરડી જતા મોત થયું છે. સ્થાનિક સહિત પરિવાર દ્વારા ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.


મહુવા નગરપાલિકાના નઘરોળ પ્રશાસનના કારણે માસુમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવોની વિગત એ મુજબ છે કે સતત પડી રહેલા વરસાદના કારણે વોર્ડ નંબર એક ખોડીયાર નગરમાં છેલ્લા 15 દિવસથી વરસાદના પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. જેની વારંવાર પ્રશાસનને રજૂઆત કરવામાં આવી પરંતુ પ્રશાસન દ્વારા કોઈ ફરિયાદ સાંભળવામાં આવી ન હતી. એટલું જ નહીં ભાજપના નગરસેવકનું પણ ચીફ ઓફિસર સામે કંઈ ઉપજતું નથી જેના કારણે 15 દિવસથી ખોડીયાર નગર વિસ્તારમાં પાણીનો નિકાલ થઈ શક્યો નહીં જેનો ભોગ રાજ બોરીચા નામનો માસુમ બાળક બન્યો છે.




પહેલા ધોરણમા અભ્યાસ કરતો રાજ બોરીચા પોતાના વિસ્તારમાંથી પાણીની અંદરથી પસાર થઈને શાળાએ જઈ રહ્યો હતો એ દરમિયાન જેરી જીવજંતુ કરડી ગયું હતું. જેના કારણે આ બાળકની તબિયત લથડતા મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ વધુ ગંભીર બનતા ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં આ માસુમ બાળકે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઘટનાને લઇ સ્થાનિક અને પરિવારે નગરપાલિકા સામે ઉગ્ર રોજ વ્યક્ત કર્યો હતો અને ગત મોડી રાત્રીના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા કોઈ રજૂઆત સાંભળવામાં આવી ન હતી.


મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠ અણધણ નામના અધિકારી મહુવાના શહેરીજનોની કોઈ વાત સાંભળતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે એટલું જ નહીં ભાજપના કાઉન્સિલરોની પણ રજૂઆતો સાંભળવામાં આવતી નથી જેનો રોષ ખુદ ભાજપના નગરસેવક પણ વ્યક્ત કરી રહ્યા છે. અધિકારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે જનતાને જવાબ આપવાના બદલે પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તે પ્રમાણે કામ કરી રહ્યા છે. જો કોઈ અરજદાર ચીફ ઓફિસરને ફોન કરે છે તો ફોન પણ રિસીવ કરતા નથી ઉચ્ચ અધિકારી દ્વારા મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.