Kutch : કચ્છમાં ધર્મપરિવર્તન (conversion)માટે 10 લાખની ઓફરના લેટરથી ખળભળાટ મચી ગયો છે. અબડાસા તાલુકાના મુઠિયારના પશુપાલકોને નનામી પત્ર મળ્યો હતો અને નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરતો પ્રલોભન સાથેનો પત્ર ટપાલ મારફતે પશુપાલકને મળતા આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ, સથુભા જાડેજા, ભાનુભા ચાવડા અને જામભા ચાવડાને ધર્મ પરિવર્તન માટે પત્ર મળ્યા હતા. અબડાસા તાલુકાના પશુપાલકોને ધર્મ પરિવર્તન કરવા માટે નનામી પત્ર મળતા ચકચાર મચી ગઈ છે. 


નલિયા પોલીસને લેખિત ફરિયાદ અપાઇ
આ તમામ પશુપાલકો દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પણ આ લોકોને પૂરતો સાથ આપ્યો છે. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તા. 29મીના ફરિયાદીને મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાખવા અને કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ફરિયાદીએ માગણી કરી હતી.


ધર્મ પરિવર્તન કરવા માટે 1 થી 10 લાખ રૂપિયાની આપવામાં આવી લાલચ
મુઠીયાર ગામે રહેતા કરશનજી બલોચ નામના અશિક્ષિત વ્યક્તિના નામે ઘરમાં ટપાલ આવતા પૌત્રએ વાંચી અને તેમાં તેમને ‘કાસમછા’ બની જવા જણાવી રૂ.1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ આપવામાં આવતા નલિયા પોલીસે બનાવ અનુસંધાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.તો ગામના જ બીજા ક્ષત્રિય સમાજના લોકોને સાલેમામદ નામ રાખીને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ સાથેનો પત્ર મળ્યો છે.


આ બનાવ બાબતે ક્ષત્રિય સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત આ પત્ર મોકલનાર અને આવું કૃત્ય કરનાર ગને તે ધર્મનો વ્યક્તિ હોય તેની સામે યોગ્ય કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા માટેની માંગ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.