AHMEDABAD : હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે. હવે આ દિશામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ સત્યમેવ જયતે જનસભાના પોસ્ટરમાંથી હાર્દિક પટેલનો ફોટો હટાવ્યો, તો હાર્દિક પટેલે ટ્વીટર પ્રોફાઈલ પરથી ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’નો હોદ્દો હટાવી દીધો છે અને ગુજરાત કોંગ્રેસ છોડવાનો વધુ એક સંકેત આપી દીધો છે. 


શું કોંગ્રેસ છોડશે હાર્દિક પટેલ? 
હાર્દિક પટેલે ટ્વીટર પ્રોફાઈલ પરથી ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’નો હોદ્દો હટાવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ છોડવાનો વધુ એક સંકેત આપી દીધો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે? બે દિવસ પહેલા પણ હાર્દિક પટેલે ડ્રગ્સ મામલે ગુજરાત સરકારના અને વધુમાં કહીએ તો ગુજરાત સરકારના આડકતરી રીતે કરેલા વખાણમાં પણ કોંગ્રેસનો લોગો, કોંગ્રેસમાં પોતાનો હોદ્દો કે ગુજરાત કોંગ્રેસનું લેટરપેડ આ બધાનો ઉપયોગ કર્યો ન હતો.  


વોટ્સએપ ડીપીમાં પણ કોંગ્રેસ હટાવ્યું 
થોડા સમય પહેલા હાર્દિક પટેલે પોતાના વોટ્સએપ ડીપીમાંથી પણ કોંગ્રેસનો લોગો વાળો પોતાનો ફોટો  હટાવી દીધો હતો. ણ એઆજે ટ્વીટર પરથી પોતાનો હોદ્દો હટાવ્યાં બાદ હવે એ વાત સ્પષ્ટ થઇ છે કે ગુજરાત કોંગ્રેસ સાથેના હાર્દિક પટેલના સંબંધો તૂટવાની એરણે છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે હાર્દિક પટેલ ગમે ત્યારે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી શકે છે. હવે જોવું રહ્યું કે આ દિશામાં આગળ શું થશે. 


કોંગ્રેસના પોસ્ટરમાંથી હાર્દિકનો ફોટો ગાયબ 
આસામથી પરત ફરી રહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુજરાત પરત આવી રહ્યાં છે. તેમના સન્માન-સત્કારમાં ગુજરાત કોંગ્રેસ ‘સત્યમેવ જયતે જનસભા’ કરી રહી છે. જો કે કોંગ્રેસની આ જનસભાના પોસ્ટરમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્માનો ફોટો છે, પણ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો ફોટો ગાયબ છે. આ બાબતથી હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોરનો ખટરાગ સામે આવ્યો છે.