ઇડરઃ સાબરકાંઠામાં યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઇડરના મોટા કોટડા નજીક જંગલમાં અજાણી યુવતીની લાશ મળી આવી છે. સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી છે. ગત મોડી સાંજે અસ્તવ્યસ્ત અને સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.
જાદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સળગેલી હાલતમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે ઇડર સિવિલમાં ખસેડવામાં આવી. હત્યા કે આત્મહત્યાએ દિશામાં જાદર પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં સિનિયર સિટીઝનની ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. સિનિયર સિટીઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સાબરમતીના ઠાકોર વાસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. સિનિયર સિટીઝન દેવેન્દ્રભાઈ રાવતની હત્યા કરવામાં આવી છે. ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મૃતકના ગળામાં રહેલી સોનાની ચેઇન, બાઈક અને મોબાઈલની લૂંટ થઈ હોવાનું અનુમાન છે.
સાબરમતી પોલીસે ટેકનિકલ સર્વેલાન્સનાં આધારે તપાસ શરુ કરી છે. મૃતક સહારા ઇન્ડિયા બરોડ ખાતે નોકરી કરતા હતા. હાલ મૃતક દેવેન્દ્રભાઈ નિવૃત્ત જિંદગી જીવતા હતા.
રાજકોટઃ ગત ૨૭ તારીખે કોઠારીયા સોલાવન્ટ પાટા પાસેથી મળેલ યુવાનની લાશને મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. દારૂના ડખ્ખામાં નહિ પરંતુ યુવાનની હત્યા કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. મૃતકની પત્ની સાથે બિલ્ડરને પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં પતિ આડખીલી હોવાથી તેની હત્યા કરવામાં આવી છે. એક અજાણ્યા ફોને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
પારડી ગામના મેહુલ પારધીને કોન્ટ્રાક્ટર પરેશ પટેલે મૃતક મનોજ વાઢેરની સોપારી દીધી હતી. મેહુલ પારધીએ હત્યાનું કામ રાજેશ પરમારને સોંપ્યું હતું. રાજેશે મનોજને ગત 27 તારીખે કોઠારીયા સોલાવન્ટ રેલવે પાટા પાસે પથ્થર મારી હત્યા કરી નાંખી હતી. પરેશ પટેલને મૃતક મનોજ વાઢેરના પત્ની સાથે સંબંધ હતા. બંનેએ મૈત્રી કરાર પણ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે સોપારી આપનાર પરેશ પટેલ, રાજેશ, મહેશ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતઃ બસમાંથી થુંકવા જતા નીચે પટકાયેલા યુવકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવક નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંબેટા ગામ લગ્નમાં ગયો હતો ત્યાંથી પરત આવતી વખતે બસમાંથી થુંકવા જતા નીચે પડી ગયો હતો. 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વ્યક્તિ છૂટક કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અકસ્માતમાં મોતને ભેટેલ યુવકનું નામ ભુપેન્દ્ર કરશન સુરતી છે. ચાલુ બસે ગુટખા થૂંકવા જતા નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઉભી રાખી બધા દોડી ગયા હતા. ગંભીર ઇજા થતાં તેને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ભુપેન્દ્ર સુરતી ડાયવોર્સી હતો. તેને એક 12 વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો.