શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા-કોલેજો ખોલવા અંગે આગામી બે થી ત્રણ દિવસમાં SOP જાહેર કરાશે. આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે. દિવાળી બાદ શાળા શાળા ખોલવા અંગેના શિક્ષણ વિભાગના સંકેત પર વાલીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાક વાલીઓએ કહ્યું કે, દેશભરમાં બધુ જ ખૂલી ગયું છે અને ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને કંઈ સમજાતું નથી એવામાં સરકારે શાળાઓ ખોલવી જોઈએ. તો કેટલાાક વાલીઓએ કહ્યું કે, કોરોનાના કાળચક્રમાં એક વર્ષ બગડે તો ચિંતા નહીં પણ બાળકોની જિંદગી અમૂલ્ય છે.
નોંધનીય છે કે, શિક્ષણ સચિવ અને રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સાથે શિક્ષણમંત્રીએ ચર્ચા કરી હતી. સ્કૂલો શરૂ કરવા માટે જરૂરી એસઓપી તૈયાર કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શિક્ષણ સચિવ અને રાજ્ય શિક્ષણ મંત્રી સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
રાજ્યના શિક્ષણ વિભાગનું સંભવિત આયોજન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પહેલા કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખુલશે. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ અને છેલ્લે પ્રાથમિક શાળાઓ ખુલે એ પ્રકારનું આયોજન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.