Code of Conduct Violation Complaint: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ પ્રકરણ-૯, નો ભંગ કરેલ છે તે અંગે તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડીયો પુરાવા સાથે ફરીયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.
રાષ્ટ્રીય ચૂંટણી પંચના તા. ૧૭/૩/૨૦૨૪ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલ જેથી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે.
ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમીયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧’ ના પ્રકરણ-૯ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. ‘જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી’
વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જીલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલ છે. તેજ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલ છે. જે ગંભીર બાબત છે.
આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપના સહ પ્રવકતા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારતનું ચૂંટણીપંચ નિષ્પક્ષ કરાવવા માટે જાણીતું છે. આ અંગેનું જાજમેંટ ભારતનું ચૂંટણીપંચ આપશે. અધ્યક્ષ તમામના હોય છે કોઈ એક પક્ષના હોતા નથી. ચૂંટણીપંચનો ચુકાદો સૌને માન્ય રહેશે.
શિક્ષક વિરૂદ્ધ નોંધાઈ આચાર સંહિતાની ફરિયાદ
રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ આચારસંહિતાની ભંગની ફરિયાદ નોંધાઇ છે. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં સરકારી કર્મચારી વિરૂદ્ધ રાજકીય પક્ષના કામ કરવાનો આરોપ લાગ્યો હતો. પાટણના સરસ્વતિ પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદ સોલંકી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી.
તેમના પર ભાજપના ઉમેદવારનું સન્માન કરવાનો આરોપ લાગ્યો હતો. શિક્ષક વિનોદ સોલંકીની પોલિંગ ઓફિસર તરીકે નિયુક્તિ થઇ છે. ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીએ તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો.