પાલનપુરઃ પાલનપુર બ્રિજ દુર્ઘટના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. આ કેસમાં કંપનીના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સહિત કુલ 11 સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. નોંધનીય છે કે આ બ્રિજ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.
બુધવારના રોજ પાલનપુર પૂર્વ પોલીસે GPC ઈન્ફ્રા કંપનીના સાઈટ એન્જિનિયર સની મેવાડા, અલ્પેશ પરમાર અને નમન મેવાડાની અટકાયત કરી હતી. પાલનપૂર પૂર્વ પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાની પણ ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા અને નાણાંમંત્રી કનુ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે નબળી ગુણવત્તાના કારણે દુર્ઘટના બની નથી પરંતુ સ્બેલ ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી તે સમય દરમિયાન આ દુર્ઘટના બની હતી.
તે સિવાય બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બંને યુવકના પરિવારે સહાય માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. મૃતક અજય શ્રીમાળી નામનો યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અજયના અકાળે મોતથી બે વર્ષીય દીકરી નોંધારી બની હતી તો મયુરનો પરિવાર પણ નોંધારો બનતા સહાયની માંગ કરવામાં આવી છે. તો કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે, કોન્ટ્રાક્ટર અને ભાજપ વચ્ચે છે સંબંધ છે.ચૂંટણી ફંડના બદલામાં તેને કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
આ તરફ પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે મુખ્યમંત્રીને પત્ર લખી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવાની રજૂઆત કરી હતી. ધારાસભ્યએ લખેલા પત્રમાં કહ્યું કે બંન્ને યુવકોના મોત થતા તેમના પરિવારની આર્થિક સ્થિતિ વિકટ બની શકે છે જેથી તેમને આર્થિક સહાય ચૂકવવામાં આવે.
બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં બે વ્યક્તિના મોત થયા છે. દુર્ઘટના સમયે રિક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. રેલવે ફાટક નજીક અંદાજીત 50 ફૂટ લાંબો સ્લેબ તૂટી પડ્યો હતો.
અમિત ચાવડાએ શું કર્યુ ટ્વિટ
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું, પાલનપુર આરટીઓ સર્કલ નજીક ઓવરબ્રિજ ધરાશાઈ થયો. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયાની આશંકા. આ બ્રિજ નહી પણ ભ્રષ્ટાચારનો વિકાસ પડ્યો છે, હવે ફરી અધિકારીઓની બદલી કરી હૈયે ટાઢક કરાશે ?