Mehsana Urban Bank Election:મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે  રવિવારે એટલે કે આજે મતદાન  થઇ રહ્યું છે.  આ બેંકની પેટા ચૂંટણીમાં આઠ ડિરેક્ટર્સ પદ માટે વોટિંગ થઇ રહ્યું છે. સવારે 8થી વોટિંગ શરૂ થયું છે. જે પાંચ વાગ્યા સુધી ચાલશે.  ચૂંટણીના જંગમાં વિમલ ગૃપના ચંદુ પટેલની વિકાસ પેનલ, ડી.એમ.પટેલની વિશ્વાસ પેનલ અને ભાવેશ પટેલની પ્રજાનો અવાજ પેનલ મેદાને છે.

આજે બેંકના અલગ અલગ શહેરમાં 57 બ્રાન્ચોમાં 150 બુથ પર મતદાન થઇ રહ્યું છે.. જેમાં છ જનરલ બેઠક, એક એસસી-એસટી અને એક મહિલા બેઠક મળી આઠ બેઠકો માટે કુલ 26 ઉમેદવારોનું ભાવિ માટે વોટિંગ થશે.  કુલ 1,06,160 મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. અર્બન બેંકની ચૂંટણીમાં મતદાન પછી મહેસાણા જીઆઇડીસી હોલમાં સોમવારે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે.

આઠ ડિરેક્ટરો માટેની પેટાચૂંટણીમાં વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે.અર્બન બેંકમાં ભાજપ વર્સિસ ભાજપનો જોરદાર જંગ છે. 57 શાખાના 150 મતદાન બુથ પર મતદાનનો પ્રારંભ 8 વાગ્યાથી થયો છે કુલ 1 લાખ 7 હજાર 762 જેટલા મતદારો   મતદાન કરશે.મહેસાણા, અમદાવાદ, કલોલમાં સહિતના બૂથ પર સુચારૂ રીતે  મતદાન થઇ રહ્યું  છે.

મહેસાણા અર્બન બેંકની આ ચૂંટણી પૂર્વે  આક્ષેપ-પ્રતિઆક્ષેપોથી રાજકારણ ગરમાયું  હતું.કિરીટ પટેલે  બેંકના વર્તમાન સંચાલકો પર ગંભીર આરોપ લગાવતા કહ્યું  હતું કે, મહેસાણા અર્બન કો. ઓપ. બેંકને અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધુ દંડ થયો છે. તેમણે દાવો કર્યો કે, RBIએ ત્રણ વખત કુલ 12 કરોડ રૂપિયાનો દંડ બેંકને કર્યો છે. આ દંડ માટે બેંકના સત્તા ભોગવનારા લોકો જવાબદાર છે. આ દંડ પોતાના અને સગાઓના નામે કરેલી લોનને કારણે થયો હતો. NPA નો મુદ્દો બેંકના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. કિરીટ પટેલે જણાવ્યું હતું  કે, બેંકમાં NPA 1000 કરોડથી વધુ છે, જ્યારે ડિપોઝિટ 9000 કરોડ રૂપિયા છે. તેમણે આ NPA માટે પણ વર્તમાન સત્તાધિશોને જવાબદાર ઠેરવ્યા છે. તેમના મતે, આ લોકો જ NPA ના ગુનેગાર છે અને બેંકને નુકસાન પહોંચાડી રહ્યા છે.બંને પેનલ બેંકના સભાસદોને પોતાની તરફેણમાં કરવા માટે તમામ પ્રયાસો કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે, બેંકના સભાસદો કોના પર વિશ્વાસ મૂકીને પોતાની બેંકનું ભવિષ્ય નક્કી કરે છે.