પોરબંદર:  આજના ડિજિટલ ટેકનોલોજીના યુગમાં જીવનસંગનીની પસંદગી માટે યુવાનો મેટ્રોમોનિયલ વેબસાઈટનો ઉપયોગ કરતા હોય છે. તો ક્યારેક આવી મેટ્રોમોનિયલ વેબસાઈટમાંથી પસંદ કરેલા જીવનસાથી છેતરી અને યુવાનોને લૂંટી લેતી હોય છે. આવો જ એક કિસ્સો પોરબંદરના મધ્યમ વર્ગના એક વ્યક્તિ સાથે થયો છે.


આજના ડિજિટલયુગમાં જીવનસાથીની પસંદગી માટે યુવાનો મેટ્રોમોનિયલ વેબસાઈટનો ઉપયોગ કરતા હોય છે. જો તમે ઓનલાઇન જીવનસાથી શોધીને રંગેચંગે લગ્ન કર્યા હોય અને એક દિવસ ખબર પડે કે મારી પત્ની તો કોઈ સામાન્ય ગૃહિણી નહીં પણ લેડી ડોન છે તો શું થાય? પોરબંદરના પુરુષ સાથે એક આવી જ ઘટના બની છે. પોરબંદરના આ પુરુષને મેટ્રોમોનિયલ એપ મારફત શોધેલી જીવનસાથીને કારણે મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. દુલ્હન બનીને આવેલી મહિલા 5 હજાર કારની ચોરી, હત્યા અને સ્મગલિંગ જેવા ગુનાના આરોપીની પત્ની તો નીકળી જ, તેની સાથે સાથે આ મહિલા પતિ સાથેના કેસોમાં સહઆરોપી પણ છે, જેથી આ મામલે પતિએ પોરબંદર SPને અરજી પણ આપી છે.


આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોરબંદર શહેરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતાં વિમલ કારીયાએ જીવનસાથી શોધવા માટે સાદી.કોમ નામની મેટ્રોમોનિયલ વેબસાઈટનો ઉપયોગ કરતો હતો. જેમાં વિમલને આસામના ગુવાહાટીની રીટા દાસ નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. રીટાએ પોતાની પ્રોફાઈલમાં ડિવોર્સી હોવાનું જણાવ્યું હોવાથી વાત આગળ વધારી વિમલે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન પહેલાં જ વિમલે રીટા પાસે છૂટાછેડા થયા હોવાના પુરાવા માગ્યા હતા, પરંતુ તે તેના બાળલગ્ન થયા હોવાનું કહી મેરેજ સર્ટિફિકેટ ન હોવાનું જણાવ્યું હતું. વિમલે જણાવ્યુ હતું કે મારી સાથે વાતચીત શરૂ કરી હતી અને પોતે ગરીબી અને ખૂબ દુઃખમાં હોવાનું જણાવ્યું હતું. આ રીટા સાથે વાતચીત થતાં તેણે વીડિયો કોલ દ્વારા મને શક્તિપીઠના કામાખ્યાનાં દર્શન કરાવી પોતે ભક્તિભાવમાં બહુ માને છે તેમજ નવરાત્રિમાં 13 વર્ષથી નારિયળ પાણી પીને નવરાત્રિ કરે છે એમ કહીને મને ધર્મના નામે ફસાવ્યો હતો.


આમ વિમલ કારીયાએ અમદાવાદમાં મુલાકાત અને પછી લગ્ન કર્યા હતા. વિમલ કારિયાએ લગ્ન અને મુલાકાત અંગે કહ્યું હતું કે શરૂઆતમાં એક મહિના સુધી અમે ફોનમાં વાતચીત કરી અને ત્યાર બાદ અમદાવાદમાં અમારા બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન રીટાએ મને કહ્યું હતું કે, હું ખૂબ દુઃખી અને ગરીબ છું.  આ મુલાકાતના એક અઠવાડિયા પછી 15-10-2021ના રોજ પોરબંદર ખાતે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા.  


આમ લગ્નના 6 મહિના ગયા પછી અચાનક એક દિવસ રીટા પર તેની માતાનો ફોન આવ્યો એટલે તેણે તેનો જમીનનો કેસ ચાલે છે અને જવું પડશે એમ મને કહ્યું, એટલે મેં આસામ જવા માટે તેની ટિકિટની વ્યવસ્થા કરી 21-03-2022ના રોજ તેને આસામ મોકલી તેમજ મારું 50 હજાર બેલેન્સ હતું એ ATM કાર્ડ, 5 હજાર કેશ, 11500 હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ લઈને તે આસામ ગઈ. થોડા દિવસ વાતચીત ચાલી, પણ એ ફોન રિસીવ કરતી નહોતી, પરંતુ આ દરમિયાન 30 માર્ચ, 2022ના રોજ કોઈ કેસમાં તેની અટકાયત થઈ હતી. ત્યાર બાદ કોઈ વકીલનો ફોન આવ્યો અને કહ્યું કે રીટાની અટકાયત થઈ છે. મને લાગ્યું કે જમીન કે કોઈ કેસ હશે. પછી થયું રીટા કોઈ કેસમાં ઇનવોલ્વ્ડ નથી અને રીટાનું ચાર્જશીટમાં નામ પણ નથી તે જામીન પર મુક્ત થઈ જશે, આમ કહી ઓનલાઈન પૈસા મગાવ્યા હતા. 


જેથી મેં કટકે કટકે એક લાખ રૂપિયા મોકલ્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ તેના વકીલને મેં કહ્યું કે જો રીટા કોઈ કેસમાં સામેલ નથી અને ચાર્જશીટમાં તેનું નામ નથી તો એક લાખ રૂપિયા ખર્ચ કેમ થયો. ગૂગલમાં સર્ચ કર્યું તો રીટાની ક્રાઇમ કુંડળીનો ખુલાસો થયો. વકીલે મોકલાવેલા ડોક્યુમેન્ટ ઇંગ્લિશમાં હતા. મને ઈંગ્લિશ વાંચતા આવડતું નથી. મેં એ કાગળ બીજા પાસે વાંચવ્યા ત્યારે ખબર પડી કે તેનું સાચું નામ રીટા દાસ નહીં, પણ રીટા ચૌહાણ છે અને તે ગુનાહિત કાવતરું, આર્મ્સ કેસ, ચોરી, લૂંટફાટ, ગેંડાનો શિકાર, સ્મગલિંગ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી છે. વિમલને સત્ય હકીકતની જાણ થતાં 15-06-2022ના રોજ મેં નામદાર ફેમિલી કોર્ટમાં નલ એન્ડ વાઈડ પિટિશન(કોઈએ લગ્ન છુપાવ્યા હોય કે ક્રિમનલ હોય, ગંભીર બીમારી હોય એવા લગ્ન રદ કરવાની જોગવાઈ હોય છે) કરી હતી. 


એમાં તેને ત્રણ નોટિસો તેમજ સમન્સ ઈસ્યું કરાયા હતા, પણ એને તે ઘોળીને પી ગઈ અને કોઈ જવાબ જ નહોતો આપ્યો. કોર્ટને તેના પરિણીત હોવાના પુરાવાની જરૂર હોવાથી અમે પોલીસ ફરિયાદ કરી હતી. આરોપી સામે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ હેઠળ ગુનો દાખલ કરવા અને રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવા મારી માગ છે. 5 હજાર કારચોરી ઉપરાત ગંભીર ગુનામાં આ રીટા સંડોવાયેલી હોવાથી મેં NIA,ATS(ગુજરાત અને આસામ),CBI ભારતના રાષ્ટ્રપતિ, PMO ઓફિસ, આસામના પોલીસવડા, આસામના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહ વિભાગને મારી સાથે બનેલી આ ઘટના અંગેની નકલો મોકલી છે.