Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીપરજોય ચક્રવાતના પગલે જામનગરમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. જામનગર શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. 13, 14 અને 15 તારીખ સુધી તમામ શાળાઓ રજા રહેશે. શાળાઓમાં બાળકો માટે રજા છે જ્યારે સ્ટાફે ફરજિયાત શાળાઓમાં હાજર રહેવું પડશે. ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે જામનગર શિક્ષણાધિકારીએ આ નિર્ણય લીધો છે.


મોરબીમાં શાળામાં રજા


બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના કારણે મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 13/06/2023 રજા જાહેર કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ કર્મચારીઓએ ફરજ પર હાજર રહેવાનું રહેશે. 14/06/2023 અને તા.15/06/2023 ના રોજ પણ શાળાઓમાં રજા રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સૂચના બહાર પાડવામાં આવી છે.


આ પહેલા રાજકોટ જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી, જૂનાગઢ જિલ્લામાં પણ વાવાઝોડાની અસરના પગલે રજા જાહેર કરવામાં આવી છે.


જૂનાગઢમાં શાળા બંધ


વાવાઝોડાને પગલે જુનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન રજા જાહેર કરાઈ છે. રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે. વાવાઝોડાની આગાહી સંદર્ભે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે રજાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


કચ્છમાં પણ શાળામાં રજા


કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.


તે સિવાય ચક્રવાત બિપરજોય સંભવિત કચ્છમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. જેને પગલે કચ્છના બે યાત્રાધામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આગામી 15 જૂન સુધી નારાયણ સરોવર તેમજ કોટેશ્વર મંદિર બંધ રહેશે.


નોંધનીય છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.