Cyclone in Gujarat: વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝુંપડાઓ કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતીને લઈને બચાવ અને રાહત માટે NDRF અને SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.


કચ્છમાં NDRFની ત્રણ અને SDRFની બે પ્લાટુન તૈનાત કરવામાં આવી છે. તો રાજકોટમાં NDRFની ત્રણ ટીમ મોકલવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં NDRF અને SDRFની બે બે ટીમો મોકલવામાં આવી છે.


આ તરફ મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં NDRFની એક એક ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. વલસાડમાં NDRFની એક અને પાટ, બનાસકાંઠામાં SDRFની એક એક ટીમો મોકલાઈ છે. ગાંધીનગરમાં NDRFની એક ટીમ તો સુરતમાં SDRFની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.


આમ NDRFની 15 ટીમો તૈનાત, તો છ રિઝર્વ કરી કુલ 21 ટીમો સજ્જ કરાઈ છે. જ્યારે SDRFની 12 ટીમ તૈનાત અને એક ટીમ રિઝર્વ મળી કુલ 13 ટીમો સજ્જ કરવામાં આવી છે.


આ સિવાય દરિયાકાંઠાના જિલ્લાઓમાં 521 પીએસચી, સીએચસી, હોસ્પિટલને દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારો 157 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રખાઈ છે. માર્ગ-મકાન વિભાગે પણ 95 ટીમોને આઠ જિલ્લામાં પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે.


તો ઊર્જા વિભાગની 577 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે જે આઠ જિલ્લાના છ હજાર 950 ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે


અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.


વાવાઝોડાની તિવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર 8 ઈંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.


ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.


સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર સર્વાધિક ખતરો હોવાની પૂરી સંભાવના છે. જેથી ગ્રેટ ડેન્જર દર્શાવતા 10 નંબરના સિગ્નલ લગાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કાંઠે પણ ખતરો હોવાથી લોકલ કોશનરી-3 નંબરના સિગ્નલ લગાવાયા છે. વાવઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર જોવા મળી છે.