ભરુચ: નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે આજે નર્મદા નદીની જળ સપાટી 35 ફૂટને અડી ગઈ હતી. ગોલ્ડનબ્રિજ પર નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, જેનાથી 10 ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે.
આધેડ પુરના પાણીમાં ફસાયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે. ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા. આખી રાત લીમડાના ઝાડ ઉપર બેસીને પસાર કરી હતી. આજે પોલીસ અને NDRFની મદદથી તપાસ કરતા વૃક્ષ ઉપર મળી આવ્યા હતા. સ્થાનિક લોકો અને NDRFની મદદથી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા.
નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી
નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા હતા. લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. અનેક વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું.
ભરૂચ જિલ્લામાં હાલ 12 થી વધુ આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે જ્યાં ખાવા પીવા અને આરોગ્યની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હાલમાં એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી છે.
રાજ્યમાં NDRF અને SDRFની 10 ટીમો તૈનાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે રાજ્યમાં NDRF અને SDRFની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11 હજાર 900 લોકોનું સ્થળાંતર કરાયુ છે. તે સિવાય મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 270થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ પ્રશાસનની સુચનાનું પાલન કરે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial