પાલનપુર: પાલનપુરમાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરી નામના યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા પણ તેમને દફનવિધી માટે લઈ જતા હતા ત્યારે મસ્જિદ પાસે તેના શ્વાસ ફરી ચાલુ થયા હતા. યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ ત્યાં ડોક્ટરે ફરી તેને મૃત જાહેર કર્યો હોવાની આશ્ચર્યજનક ઘટના બની છે.

પાલનપુરના જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરીને લૂ લાગતાં બિમાર થઈ જતાં તેમને મહાજન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રવિવારે સવારે 8 કલાકે તેમનું મોત નિપજતાં પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા.

ઘરે નદીમભાઈના મૃતદેહની સ્નાન સહિતની વિધિ પતાવી દફનવિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. એ વખતે મૃતક યુવકના શ્વાસ શરૂ થતાં મૈયતમાં આવેલા લોકોએ તેમને જનાજા સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.

આ રીતે મૃત જાહેર કરાયેલા યુવકના શ્વાસ ચાલવા માંડતાં ઉત્તેજના ફેલાઈ હતી. જો કે, તબીબે હોસ્પિટલના વકે યુવકને ફરી મૃત જાહેર કરતાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. જો કે નદીમભાઈના પરિવારજનોએ મહાજન હોસ્પિટલના ડોક્ટરો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મહાજન હોસ્પિટલના ડોક્ટરોએ બેદરકારી બતાવી છે.

તેમનો આક્ષેપ છે કે, મહાજન હોસ્પિટલના ડોક્ટરોએ અમારા દીકરાને સવારે આઠ વાગે મૃત જાહેર કરી દીધો હતો. બીજી તરફ  ડો. આઈ. બી. ખાને જણાવ્યું હતું કે બપોરના 12 વાગ્યા સુધી યુવક જીવતો હતો અને એ પછી તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલકોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.