ગાંધીનગર: વરસાદનું જોર ઘટી જવાના કારણે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી એક વખત રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ સિવાય અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદ વરસવાની કોઈ શક્યતા નથી.
બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ગતિ કરતા મુંબઇ પૂણેમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 15 સપ્ટેમ્બરના રોજ મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ સિસ્ટમ ગુજરાતમાં પણ 17 સુપ્ટેમ્બર બાદ વરસાદ લાવે તેવી શકયતાં છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યાં બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. કચ્છના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
આ સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફ ગતિ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે.
દેશના આ રાજ્યોમાં વરસાદનું અનુમાન
ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા, ઉત્તરાખંડ અને વિદર્ભમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ,ઝારખંડ અને ઓડિશામાં પણ વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.