સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામમાં રહેતા અને ગાંધીનગર સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાન દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમારે સરા ખાતે આત્મહત્યા કરી લીધી હતી.


પોલીસે આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો પણ હવે મૃતક પોલીસ જવાને લખેલી મનાતી સુસાઇડ નોટ બહાર આવતાં આ  કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક જવાન દીપકસિંહ પરમારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં ચોંકાવનારા આક્ષેપ કરાયા છે.


આ કથિત સુસાઈડ નોટમાં લખાયું છે કે, મારા એટલે કે દીપકસિંહના ઘરમાં સીસીટીવી ગોઠવીને મારી પત્નિની નગ્ન વીડિયો ઉતારાયા હતા. આ ઉપરાંત મારા અને મારી પત્નિના શરીર સુખ માણતા હોય એવા અંગત પળોનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો છે. આ કારણે પોતે આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ નોટમાં લખી હતી. આ નોટમાં આઇબીમાં જ ફરજ બજાવતા ડી.કે.રાણા, ભારતીબેન અને એ.આઇ.ઓ. નિષાનાં નામનો ઉલ્લેખ છે. તેમના ત્રાસને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના આધારે મૂળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સરામાં રહેતા અને ગાંધીનગર ખાતે આઇબીમાં ફરજ બજાવતા દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ જવાને 9 જાન્યુઆરીએ સરા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. તેમને પિતાએ જણાવ્યું હતું કે દીકરાને નોકરીમાં મુશ્કેલી હોવાનો ફોન આવ્યો હતો, આથી તેઓ ગાંધીનગર જઇને પુત્રને સરા લઇ આવ્યા હતા.


નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, મારો દિકરો ગાંધીનગર આઇબીમાં નોકરી કરતો હતો અને તેનો મને ફોન આવ્યો હતો કે મને તકલીફ છે. આથી હું ગાંધીનગર જઇને તેને સરા લઇ આવ્યો હતો પણ તેણે આત્મહત્યા કરી લીધી હતી. અમે પહેલાં ધ્રાંગધ્રા લઇને ગયા   હતા અને ત્યાંથી પીએમ માટે સુરેન્દ્રનગર મોકલ્યા હતા.


તેમણે એ વખતે જ કહ્યું હતું કે, મારા દિકરાએ લખેલી સ્યુસાઇડ નોટ ઘરે છે પણ અમે જોઇ નથી. દિકરાને શું મુશ્કેલી હતી તે સ્યુસાઇડ નોટ વાંચીને ખબર પડશે. હાલમાં મને કોઇ સ્યુસાઇડ  નોટ અંગેની જાણ નથી. તે નોટ ઘરે હોવાથી અમે જોઇ નથી  પરંતુ સ્યુસાઇટ નોટ જોવાથી દિકરાને શું મુશ્કેલી હતી તેનો ખ્યાલ ચોક્કસ આવી જશે.


આ બનાવમાં દીપકસિંહનું અકસ્માતે મોત થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.