અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં  આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ સુવાળાએ બે દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું. 'આપ'માં જોડાયાના ચાર મહિનામાં જ ગાયક વિજય સુવાળાએ 'આપ'માંથી  રાજીનામું આપી દીધું હતું. હવે સુવાળા ભાજપ સાથે જોડાશે એવી જાહેરાત કરાઈ છે.


'ભુવાજી' તરીકે જાણીતા વિજય સુવાળા સોમવારે બપોરે 12 વાગ્યે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે ભાજપનો કેસરસિયો ખેસ પહેરશે. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા લોકગાયક વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં 'આપ'માં જોડાયા બાદ વિજય સુવાળા અત્યંત સક્રિય હતા.


ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. 'આપ'એ સુવાળાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવી સંગઠનમા સ્થાન પણ આપ્યું હતું પણ ત્યાર બાદ ધીમે ધીમે વિજય સુવાળા નિષ્ક્રીય થઈ ગયા હતા.


સુવાળાના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ  આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. ઈસુદાન ગઢવીના ભારે પ્રયત્નો છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપતા નહોતા.


રાજીનામું આપ્યા બાદ વિજય સુવાળાએ સ્પષ્ટ રીતે ભાજપમાં જોડાવાની વાતનો સ્વિકાર્ય કર્યો નહોતો પણ હવે તે ભાજપમાં જોડાશે એ સ્પષ્ટ છે.  તેમણે કહ્યું હતું કે, હું મારા અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાં રાજીનામુ આપી રહ્યો છું. હું પાર્ટીને યોગ્ય સમય આપી શકતો નથી. હવે ગીતો અને ડાયરા પર વધુ ધ્યાન આપી શકીશ. આમ આદમી પાર્ટીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. પાર્ટી પ્રત્યે કોઇ નારાજગી નથી. મારા આત્માનો નિર્ણય છે કે,  હવે હું ડાયરા અને આલ્બમ કરું. છેલ્લા બે મહિનાથી હું નિષ્ક્રીય જ હતો.'' વિજય સુવાળાએ બીજી પાર્ટીમાં જોડાવવા અંગે કહ્યું હતું કે, હજી કંઈ નક્કી કર્યું નથી કે કઇ પાર્ટીમાં જઇશ. હજી કોઈ પાર્ટીનો  સંપર્ક પણ કર્યો નથી.


વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી.