વલસાડ:  કાર ભાડે રાખી અને ભાડે રાખેલી કારને બારોબાર વેચી મારવાની એક અજીબ છેતરપિંડી પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે આ મામલે અત્યાર સુધી એક આરોપીની ધરપકડ કરી છે. જોકે ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપી અને ભાડે રાખેલી કારોને બારોબાર વેચી મારવાનું એક મસ મોટું કૌભાંડ આગામી સમયમાં બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આથી વલસાડ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. 


વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં એક અજીબ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં વલસાડના ખડુંજી ટેકરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક મિકેનિકની કાર ભાડેથી લઇ જઇ અને ઉમરગામના એક ઇસમને વેચી મારવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા વલસાડ પોલીસે આ મામલામાં પરવેઝ ખોલીવાલા નામના આરોપીની સીટી પોલીસે ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે વાહન લે વેચની દલાલીનો ધંધો કરતા પરવેઝ ખોલીવાલાએ ઊંચું ભાડું આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 10 દિવસ સુધી કાર ભાડે કરીને લઇ ગયો હતો અને આ કારમાં તમામ અસલ ડોક્યુમેન્ટો હતા. 


જોકે 10 દિવસ બાદ પણ કાર પરત ન આવતાં ફરિયાદીએ વારંવાર પરવેઝ ખોલીવાલાને કાર અંગે પૂછપરછ કરી હતી. પરંતુ પરવેઝ ખોટા વાયદા કરતા અને ફરિયાદીને શંકા જતાં આરટીઓમાં તપાસ કરતાં આ કાર ઉમરગામના કોઇ સંજય અનિલકુમાર જૈન નામના વ્યક્તિના નામે થઈ ગઈ હોવાનુ જાણવા મળ્યું હતું. આથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આથી તેઓએ ફરિયાદ દાખલ કરતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ પોલીસે પરવેઝ ખોલીવાલાને ઝડપી પાડ્યો હતો અને પોલીસે આગવી ઢબે તેની પુછપરછ હાથ ધરી હતી. સાથે જ પોલીસે તેની ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી પણ લગભગ 15 જેટલી કારના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. જેને લઇ આ પ્રકારે કારો ભાડે લઇ અન્યોને વેચી મારવાનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે. 


પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પહેલા કાર માલિકને ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપતા હતા. અને ત્યારબાદ કાર માલિક પાસેથી તેઓ યેન કેન પ્રકારે વિવિધ બહાના બતાવી અને કારના અસલ ડોક્યુમેન્ટ અને કાર માલિકના પણ ડોક્યુમેન્ટ મેળવી લેતા હતા અને ત્યારબાદ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને કારને બારોબાર વેચી મારતા હતા. પોલીસે અત્યારે એક આરોપીની ધરપકડ કરી છે પરંતુ આ મામલામાં હજુ અન્ય આરોપીઓની પણ સંડોવણી દેખાઈ રહી છે. આથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


વલસાડમાં બહાર આવેલી આ અજીબ છેતરપિંડી માં અત્યાર સુધી પોલીસના હાથે એક આરોપી ઝડપાયો છે. જોકે પોલીસને આરોપી પાસેથી અન્ય કારોના પણ ડોક્યુમેન્ટો મળી આવ્યા છે. આથી આરોપીઓની આ ગેંગે ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપી ભાડે રાખેલી કારોને બારોબાર વેચી મારવાનું મસ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આથી પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.