Arvalli : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના અણદાપૂર ગામનો એક વિડીયો સામે આવ્યો છે.  આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક સગર્ભા મહિલા દુખાવો હોવા છતાં ચાલી રહી છે અને તેની સાથે બે બહેનો પણ છે. આ ઘટના  અણદાપૂર ગામની છે, જ્યાં રસ્તામાં અભાવે સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિલોમીટર ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી. 


આ સગર્ભા મહિલાને વહેલી સવારે 4 વાગ્યે પ્રસવપીડા શરૂ થતા દોડાદોડી થઇ હતી અને તાબડતોબ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જો કે ગામમાં પહોંચવા રસ્તો ન હોઈ એમ્બ્યુલન્સ દોઢ કિમી દૂર ઉભી રહી અને  108 એમ્બ્યુલન્સ આ સગર્ભા મહિલા સુધી પહોંચી શકી ન હતી, જેના કારણે આ સગર્ભા મહિલાએ પ્રસવપીડા સાથે એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડ્યું હતું. ગ્રામજનોના સહકારથી દર્દમાં કણસતી મહિલાને આખરે હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી., જુઓ આ વીડિયો 



સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિકાસના મોટા મોટા બણગાં ફુંકતી સરકાર ગામનો એક રસ્તો બનાવી શકતી નથી, અથવા શું ભ્રષ્ટ અધિકરીઓ આ ગામનો રોડ ‘ખાઈ’ ગયા છે? આજ ગામની ત્રણ મહિલાઓનો આવો જ એક વિડીયો પહેલા પણ વાયરલ થયો હતો. આઝાદી બાદ નસીબ ન થયેલા પાકા રસ્તા માટે તંત્રે બાંહેધરી આપી હતી, પણ હવે જોવું રહયું કે શું વધુ એક મહિલાને આવી સ્થિતિમાંથી પસાર થવું પડશે કે ત્યાં સુધીમાં રસ્તો બની જશે? 


અંબાજી મંદિરમાં ભક્તો સાથે છેતરપીંડીની ફરિયાદ
શક્તિપીઠ અંબાજી મંદિર બહાર ભક્તો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદના આધારે અમદાવાદના એક માઇભક્તે પ્રસાદી વેચનાર દુકાનદાર વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા વિભાગ તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી અમદાવાદના વ્યક્તિને  સુંધામાતા નામની દુકાનના દુકાનદારે “પાર્કિંગનો રસ્તો બતાવું એમ કહી કાર ઉભી રાખવી હતી અને કહ્યું કે જલ્દી જાઓ નહીંતર દર્શન નહીં થાય. અમારી દુકાનમાંથી પૂજાપો લઈ લો.” આવું કહ્યું. 


દુકાનદારના કહેવાથી ફરિયાદીએ પૂજાપાની એક ટોપલી રૂ.250 ના દરે એમ બે ટોપલી લીધી હતી. જયારે ફરિયાદી દર્શન કરીને પરત આવતા દુકાનદારને 500 રૂપિયા આયોટા દુકાનદારે દાદાગીરી કરી હતી અને  680  લેખે બે ટોપલીના રૂપિયા 1360 રૂપિયા પડાવી દુકાનદારને બિલ પણ આપ્યું હતું.  


દુકાનદારની આ દાદાગીરી સામે છેતરાયાનો અનુભવ થતા આ માઇભકતે પહેલા રક્ઝક કરી હતી અને હિસાબ માંગ્યો હતો. જો કે દુકાનદારે બરાબર જ ભાવ લીધા છે અમે કહેતા આ માઇભક્તે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રમાં તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. માઇભક્તની ફરિયાદના આધારે ગ્રાહક સલાહ સુરક્ષા કેન્દ્ર તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.