અમદાવાદઃ મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં અમદાવાદની સાત વર્ષની બાળકીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. અમદાવાદની સાત વર્ષની બાળકીએ મોરબીમાં પુલ હોનારતમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. ભાઈ બીજના તહેવારને લઈને આંબાવાડીમાં રહેતો ચાવડા પરિવાર ફરવા માટે મોરબી ગયો હતો. પુલ તૂટતા અશોક ભાઈ અને તેમના પત્ની ભાવના બહેન પાણીમાં પડી ગયા અને ડૂબી જવાથી તેઓનું મોત થયું હતું. જ્યારે સાત વર્ષની હર્ષિતાનો ચમત્કારિક બચાવ થયો હતો. બાળકી ઉપરાંત પરિવાર સાથે બ્રિજ પર હાજર 18 વર્ષીય ભાણેજનો પણ બચાવ થયો હતો. મૃતક અશોકભાઈ મેડિકલ રિપ્રેઝેન્ટટેટિવ તરીકે કામ કરતા, જ્યારે તેમના પત્ની ઘરે સિવણનું કામ કરતા હતા.


તે સિવાય રાજકોટના વસાણી પરિવારના 12 સભ્યો ઘટનાસ્થળે પુલ પર હાજર હતાં. જોકે તમામનો આબાદ બચાવ થયો હતો. પરિવારના જેનીશ વસાણીએ સમગ્ર ઘટના અંગે વાત કરતા કહ્યું ઘટના સમયે 500થી વધુ લોકો સ્થળ પર હાજર હતાં. કોઈ પણ લોકોએ પુલ પર ક્ષમતા કરતા વધુ લોકોને જતા રોક્યા નહીં. જેનીશભાઈ અને તેના પુત્રને તરતા આવડતું હોવાથી પ્રથમ પરિવારને બચાવ્યો હતો. ત્યારબાદ અન્ય લોકોને બચાવ્યા હતા. જેનીશભાઈનો પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.


મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો ભોગ બનનાર પ્રત્યક્ષદર્ક્ષીએ વાત કરી હતી. અશ્વિનભાઈ સથવારા રવિવારના દુર્ઘટના બની ત્યારે ઝૂલતા પુલ પર જ હતાં. ઝૂલતો પુલ તૂટીને પડતા જ તેઓએ જીવ બચાવવા દોરડુ પકડી લીધુ હતું અને અડધો કલાકથી વધુ સમય લટકી રહ્યા હતા. અશ્વિનભાઈએ એબીપી અસ્મિતા સમક્ષ કહ્યું કે એ દ્રશ્યો જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું કારણ કે તેઓએ સાત લોકોને નીચે પટકાતા જોયા છે. અશ્વિનભાઈએ કહ્યું કે લોકો બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા હતાં. જોકે પોતે કંઈ ન કરી શક્યા તેને અફસોસ પણ વ્યકત કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે. વડાપ્રધાન દુર્ઘટનાસ્થળની મુલાકાત બાદ ઈજાગ્રસ્તો અને મૃતકના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીનો આજનો અમદાવાદનો રોડ શો પણ કરી  દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિતો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરશે.મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.