પાટણ: શિક્ષકે વિદ્યાર્થીને મારમાર્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરની એક શાળામાં થોડા દિવસો પહેલા શિક્ષકે ધોરણ-12નાં વિદ્યાર્થીને ડાબા ગાલ ઉપર તથા કાન ઉપર થપ્પડ મારતાં ડાબા કાનનાં પડદામાં કાણું પડી ગયું હતું.આ મામલે શિક્ષકે વિદ્યાર્થીનાં વાલીને ફરીયાદ ન કરવા અને સમાધાન કરવા ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે. જેને લઈ વિદ્યાર્થીની માતાએ B,ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.


શિક્ષકે લાફો મારતા તેના કાનના પડદામાં કાણું પડી ગયું


પાટણની પી.પી.જી. એક્સપેરીમેન્ટલ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને રફનોટમાં લખવાં બાબતે શાળામાં ફરજ બજાવતા શિક્ષકે લાફો મારતા તેના કાનના પડદામાં કાણું પડી ગયાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થી રફ નોટમાં લખતો હોવાથી શિક્ષકે તેને કહેલ કે,તું રફનોટમાં શું કામ લખે છે જેથી વિદ્યાર્થીએ કહેલ કે, મારા પિતા ચોપડા આપશે એટલે નવા ચોપડામાં લેશન ફરીથી લખીશ.જોકે વિદ્યાર્થીએ આવું કહેતા જ શિક્ષકે ગુસ્સે થઇને વિદ્યાર્થીને ગાલ અને કાન પર થપ્પડ મારી હતી તેવો આક્ષેપ કરાયો છે.સાથે વાલી દ્વારા પોતાના બાળકને ન્યાય મળે અને અન્ય વિધાર્થીઓ સાથે આવી ઘટના ન બને તેવી માંગ કરી રહ્યા છે.


શિક્ષકનો બચાવ કરતા જોવા મળ્યા આચાર્ય


વિધાર્થીને મારમાર્યાની ઘટના બાબતે વાલી દ્વારા શાળાના આચાર્ય ન શિક્ષક વિરોધ રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે શાળાના આચાર્ય દ્વારા શિક્ષક જોડે ખુલાસો માંગ્યો હતો જેમાં શિક્ષક દ્વારા ખુલાસો કરવામાં આવ્યું છે કે મે કોઈ માર માર્યો નથી. તેમજ આચાર્યએ દ્વારા વિધાર્થી બેન્ચ પરથી પડી ગયો હોવાથી લાગ્યું હોઈ શકે તેવું કારણ બતાવી ગોળગોળ જવાબ આપી ક્યાંક શિક્ષકનો બચાવ કરતા હોય તેવું લાગ્યું હતું.


પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી


શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારમાર્યા ના આક્ષેપને પગલે હાલ તો વાલીના નિવેદન આધારે B, ડિવિઝન પોલીસે શિક્ષક પરેશ. ડી. ઠક્કર સામે ફરિયાદ નોંધી ઘટનાના જળમૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જોકે સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. હાલમાં આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઉપરાંત શિક્ષક સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે.