વલસાડ: શહેરની એક હોસ્પિટલ માં પ્રસૂતા અને ગર્ભમાં રહેલ બાળકનું મોત થતા ચકચાર મચી ગઈ હતી. હોસ્પિટલની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારમાં રોષ વ્યાપ્યો હતો. રોષે ભરાયેલ પરિવારજનો મૃતદેહ સાથે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચતા મામલો ગરમાયો હતો.


વલસાડના છરવાડાના  નીલા બેન પટેલ નામની પ્રસુતાને 16મી જુનના રોજ પ્રસુતિ માટે વલસાડની સર્જીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તે દરમ્યાન તારીખ 19 ના રોજ તેમની તબિયત બગડતા પ્રસુતાને 100 મીટર દૂર આવેલ અન્ય હોસ્પિટલમાં સ્ટ્રેચર પર જ લઈ જવામાં આવ્યા હતા. અન્ય હોસ્પિટલમાં સ્ટ્રેચર પર લઇ જતી વેળાએ રસ્તામાં ખાડા અને આંચકા લાગતા પ્રસુતાની તબિયત વધુ બગડી હતી. સ્ટ્રેચર પર જ મહિલાએ 100 મીટર દૂર આવેલ ડોકટર હાઉસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રસૂતાએ મૃત નવજાત બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ મહિલાની તબિયત વધુ બગડતા સુરત મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તારીખ 20 જૂન ના રોજ પ્રસુતાનું પણ મોત થયું હતું. આથી પરિવાર મા રોષ વ્યાપ્યો હતો.


આ મામલે હોસ્પિટલ સત્તાધીશો પોતાનો બચાવ કરી રહ્યા છે


રોષે ભરાયેલ પરિવારજનો મૃતદેહ સાથે જ સુરત હોસ્પિટલથી સીધા જ વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા .મહિલાની સારવારમાં અનેક બોટલથી લોહી ચઢાવવા આવ્યું હતું. આથી પરિવારજનોએ હોસ્પિટલ પર જ  બેદરકારીનો આક્ષેપ કરતી અરજી પોલીસ સ્ટેશનમાં કરી તપાસની માંગ કરી હતી. તો આ મામલે હોસ્પિટલ સત્તાધીશો પોતાનો બચાવ કરી રહ્યા છે. 


હોસ્પિટલ દ્વારા જણાવવા આવ્યું હતુ કે પેશન્ટની તબિયત અંગે પરિવારજનોને જાણ કરાઈ હતી. સાથે જ સ્ટ્રેચર પર મહિલાને લઈને જવાની વાત છે તો એમ્બયુલન્સની રાહ જોવામાં વધુ તબિયત બગડી શકે એમ હતી. જેને લઈને તાત્કાલિક એમને નજીકમાં આવેલ ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં રીફર કરી તાત્કાલિક ઑપરેશન કરવામાં આવ્યું હતુ જ્યાં મહિલ એ મૃત બાળકને જન્મ આપ્યો હતો. તેમનું ગર્ભાશય ફાટી ગયું હતુ જેને લઈને પણ તબિયત વધુ બગડતા સૂરત ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર તબિયત અંગેના સારવારની જાણકારી દર્દીના પરિવારજનોને આપવામાં આવી હતી. હાલ જે પ્રમાણેના આક્ષેપો થઈ રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે.