ચોટીલાઃ સુરેન્દ્રનગરના ચોટીલામાં હાઈવે પર એક યુવકની હત્યા કરવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના ચોટીલામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે મૃતક યુવકે તેની પૂર્વ પ્રેમિકાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. જેને લઈ પૂર્વ પ્રેમિકાના પતિએ યુવકની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. મૃતક યુવકનું નામ રાહુલ જાદવ હોવાનું ખુલ્યુ છે. મૃતક યુવકના 18 જાન્યુઆરીના જ લગ્ન થવાના હતા. પોલીસે હત્યામાં સામેલ દર્શન બાજીપરા અને નવાબ મકવાણા બંને આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓ સુરેન્દ્રનગરમાં રહે છે.
Vadodara: રાજ્યના આ મોટા શહેરમાં વ્યાજખોરે સમયસર વ્યાજ ન ચૂકવી શકતાં યુવકને કહ્યું, નાણાં ન હોય તો તારી પત્નીને મોકલી આપ
Vadodara: રાજ્યના ગૃહ મંત્રી દ્વારા વ્યાજ ખોરો સામે ઉપાડવામાં આવેલી ઝુંબેશમાં વડોદરા ખાતે યોજવામાં આવેલા લોક સંવાદમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. વ્યાજખોરોથી ત્રસ્ત ફરિયાદીએ કહ્યું કે, વ્યાજ ખોરોએ તેને નાણાં ન હોય તો તારી પત્નીને મોકલી આપ તેમ કહ્યું હતું. આ સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી અને ગણતરીના કલાકોમાં જ રાવપુરા પોલીસે વ્યાજખોર પ્રતાપસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી હતી.
ભાવનગરમાં પોલીસ જ વ્યાજે પૈસા આપી કરતો હતો પઠાણી ઉઘરાણી
ભાવનગર ખાતે યોજવામાં આવેલા લોક સંવાદમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાનું સામે આવતા સોંપો પડી ગયો હતો. પરિવારને કાયદાનો ડર બતાવી ધાક ધમકી આપી વ્યાજ વસૂલવામાં આવતું હતું. આ અંગે ભાવનગર આઈજીને રજૂઆત કરતા મહિલા રડી પડી હતી. ત્યારે જોવાનું રહ્યું કે આ અંગે ગૃહ મંત્રી દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવે છે કે નહીં.
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો ના ત્રાસ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એસ.પી.કચેરીના તાલીમ ભવન ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમમાં ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમાર,જિલ્લા પોલીસ વડા ડો.રવીન્દ્ર પટેલ, ડી.વાય.એસ.પી.સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અને વ્યાજખોરોના ત્રાસ અંગે લોકોની રજુઆત સાંભળી હતી.ભાવનગર શહેર અને જિલ્લામાં કોઈપણ વ્યક્તિને વ્યાજખોરોનો ત્રાસ હોય તો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોલીસની સહાય માંગવા લોક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ જણાવી વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે તેવી હૈયાધારણા આપી હતી