નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે આપના નેતા  ગુલાબસિંહ યાદવને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.  પાર્ટીએ ગુલાબસિંહ યાદવને ગુજરાતના સહપ્રભારી બનાવ્યા છે. આમ આદમી પાર્ટીના એક્સ પર આ અંગે પોસ્ટ કરી જાહેરાત કરવામાં આવી છે. 

ગુલાબસિંહ યાદવે એક્સ પર પોસ્ટ કરી

આમ આદમી પાર્ટીના નેતા ગુલાબસિંહ યાદવે પણ પોતાના એક્સ પર આ અંગે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, ગુજરાત સાથે કોઈ જૂના સંબંધો હોય એવું લાગે છે - આભાર અરવિંદ કેજરીવાલ સાહેબ, તમે ફરીથી મારામાં વિશ્વાસ દર્શાવ્યો છે. હું દરેક શક્ય પ્રયાસ કરીશ. આ વખતે ગુજરાતમાં નવું આંદોલન શરૂ થવું જોઈએ. લોકો જાતે ભાજપને જડમૂળથી ઉખાડવા માટે તૈયાર થશે. 

ગુલાબ સિંહ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે. તેઓ  રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના મટિયાલા વિસ્તારમાંથી ધારાસભ્ય હતા. 

AAPએ વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી હતી 

ગુજરાતમાં  છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠકને લઇને આપે ઉમેદવાર જાહેર કરી દિધા છે.  વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે.   ગુજરાત આપના સીનિયર નેતા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે, ભૂપત ભાયાણીએ આ બેઠક પરથી રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. હવે આગામી સમયમાં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ બેઠક પર ચૂંટણીની હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી છતા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર મેદાનમાં ઉતારી દિધા છે.