ભાવનગરઃ આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ મથકમાં બ્રહ્મસેના દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે બ્રહ્મસમાજ તથા હિંદુ ધર્મની લાગણી દુભાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી તરફ બ્રહ્મસભાએ અરવિંદ કેજરીવાલ માફી માગે પછી જ આંદોલન સમાપ્ત કરાશે એવું એલાન કર્યું છે.


આ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, ઈટાલિયાએ ભૂતકાળમાં કર્મકાંડની પ્રવૃત્તિઓ, કાથાકારો અને સત્યનારાયણ ભગવાનની કથા અંગે કરેલાં નિવેદનોથી બ્રહ્મસમાજ તથા હિંદુ ધર્મની લાગણી દુભાઈ છે. આ મુદ્દે ગોપાલ ઈટાલિયા માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરાશે.


ઈટાલિયાએ ભૂતકાળમાં કર્મકાંડની પ્રવૃત્તિઓ, કાથાકારો અને સત્યનારાયણ ભગવાનની કથા અંગે કરેલાં નિવેદનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં વિવાદ ચગ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ કરેલા નિવેદનો અંગે નારાજગી વ્યક્ત કરાઈ હતી. આ નિવેદનો દ્વારા બ્રહ્મ સમાજ અને હિંદુ સમાજ નારાજ હોવાનાં નિવેદનો અપાયાં હતાં.


બ્રહ્મસભા દ્વારા ઈટાલિયાને આ નિવેદન માટે 14મી જુલાઈ સુધીમાં જગતગુરુ શંકરાચાર્યની માફી માંગવા અલ્ટિમેટમ અપાયું હતું. જો કે ઈટાલિયાએ  નેતાએ માફી નહી માંગતા રાજ્યભરમાં ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ 175 શહેરોમાં આવેદન પત્ર અપાયાં હતાં. એ પછી ઉમરાળામાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.


આ મુદ્દે બ્રહ્મસભાના પ્રમુખ ભાવેશ રાજ્યગુરૂએ કહ્યું કે, ગોપાલ ઈટાલીયા નિયત સમયમાં દ્વારકા ગયા નહી તે શંકરાચાર્યજી પીઠનું અપમાન છે. ઈટાલિયાને દ્વારકા જતા કેજરીવાલ રોકી રહ્યા હોય તે સ્પષ્ટ જોઈ શકાય છે. કેજરીવાલે ઈટાલીયાને માફી માંગવા દ્વારકા શંકરાચાર્યજી સમક્ષ જવા પ્રેરણા કેમ  ના આપી? તેમણે એલાન કર્યું છે કે, હવે અરવિંદ કેજરીવાલ માફી માંગે તો જ આંદોલન સમાપ્ત થશે. બ્રહ્મસેના વિશ્વ હિંદુ પરિષદને સાથે રાખી, સાધુ-સંત કથાકારને આ આંદોલનમાં જોડવાનો પ્રયાસ કરશે.


ઉમરાળાના પીએસઆઈ આર.વી. ભીમાણીએ આ અંગે કહ્યું કે, આ અંગેની ફરિયાદ લઈ લેવામાં આવી છે. પોલીસ તરફથી ફરિયાદ બાદની જે રૂટિન પ્રક્રિયાઓ થતી હોય છે તે કરી આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.