અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ આગાહી પ્રમાણે વલસાડ જિલ્લામાં રવિવાર વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. વલસાડ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વલસાડના ઉમરગામમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાકમાં 8.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો.


વલસાડની નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો.  દમણમાં છેલ્લા 24 કલાકમાં સાડા નવ ઈંચ  ઇંચ વરસાદ વરસ્યો છે.


ઉમરગામ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ ખાબકતા સ્થિતિ ગંભીર બની ગઈ છે. સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય એવી હાલત છે.


વલસાડ જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાયબ થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. તેના કારણ બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. વહવટી તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી છે. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઝાડને દૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


આ સિવાય કપરાડામાં 1.42 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, પારડીમાં 1.46 ઇંચ, વલસાડમાં 4.30 ઈંચ અને વાપીમાં 6.30 ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.


વલસાડ શહેરમાં પણ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે. ભારે વરસાદના પગલે વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયાં  હતાં.   છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો.