આજીવન રંગભૂમિને સમર્પિત રંગકર્મી સ્વ. કમલેશ મોતાની સ્મૃતિમાં ગયા વરસે શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધાના બીજા વરસની તારીખો જાહેર થઈ છે. માત્ર ઓનલાઇન સ્વરૂપે અને ગુજરાતી ભાષામાં યોજાતી આ સ્પર્ધા પોતાના પ્રકારની એકમાત્ર એકોક્તિ સ્પર્ધા છે. સ્પર્ધામાં ત્રણથી પાંચ મિનિટની એકોક્તિ મોકલીને ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ મોબાઇલના કે અન્ય કેમેરાથી એમની એકોક્તિ લેન્ડસ્કેપ ફોરમેટમાં શૂટ કરીને ટેલિગ્રામ પર કે ઇમેઇલ પર મોકલવાની રહેશે. વિડિયો એડિટિંગ કે ઇફેક્ટ સાથેની એકોક્તિઓ સ્પર્ધામાં અમાન્ય ગણાશે. સાત વરસથી વધુ ઉંમરની વ્યક્તિઓ એમાં ભાગ લઈ શકશે. સ્પર્ધકોની ચાર શ્રેણીઓ ઉંમર 7થી16, 17થી 31, 32થી 50 અને 51 કે વધુ છે.


રંગભૂમિ ફરી સક્રિય થઈ હોવા છતાં હજી નાટ્યસ્પર્ધાઓ ફરી શરૂ થવાની બાકી છે. એવામાં આ સ્પર્ધા દેશવિદેશના નવોદિતો અને કાર્યરત રંગકર્મીઓ માટે પોતાની પ્રતિભા રજૂ કરવાનું એકમાત્ર માધ્યમ છે. પીઢ રંગકર્મી નિરંજન મહેતાના માર્ગદર્શનમાં યોજાતી સ્પર્ધાનાં આયોજકો અપરામી મોતા, બાબુલ ભાવસાર, સંજય વિ. શાહ અને સોનાલી ત્રિવેદી છે. માંગરોળ મલ્ટીમીડિયા અને આંગિકમ યુટ્યુબ ચેનલ સંચાલન અને ટેક્નિકલ બાબતો સંભાળે છે. અનુભવી રંગકર્મીઓ નિર્ણાયકો તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. એન્ટ્રી મોકલવાની અંતિમ તારીખ બુધવાર 10 ઓગસ્ટ 2022 છે.


સ્પર્ધકો ટેલિગ્રામ એપથી 9040466266 મોબાઇલ નંબર પર અથવા kamleshmotacontent@gmail.com ઇમેઇલ પર એન્ટ્રી મોકલી શકશે. કમલેશ મોતાની જન્મજયંતી એટલે પહેલી સપ્ટેમ્બર 2022ના રોજ સ્પર્ધાનાં પરિણામો જાહેર થશે. વિજેતાઓને રોકડ ઇનામ ઉપરાંત પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.