Dahod Accident: રાજ્યમાં દિવાળી ટાણે રોડ રસ્તા પર યમરાજાના આંટાફેરા વધ્યા છે. દાહોદમાં પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે અને એક ઇજાગ્રસ્ત થયા છે. જેસાવાડા નજીક બનેલી અકસ્માતની ઘટનામાં માતા-પિતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે ઘાયલ પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.


કેવી રીતે સર્જાયો અકસ્માત


પિકઅપ ગાડીએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. એક જ પરિવારના ત્રણના મોતથી વિસ્તારમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.


વલસાડ જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડરન ની ઘટના

વલસાડ ધરમપુર ચોકડીના બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. મોપડે પર સવાર 2 મહિલાને અજાણ્યા ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત થયું હતું અને એકને સારવાર માટે હોસ્પિલમાં ખસેડવા માં આવી હતી. ટ્રક ચાલક અકસ્માત કરી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


સુરતમાં કોઝવે નજીક પાલિકાના કચરા ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવારે આર્થિક આધાર ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પોલીસે અકસ્માતનો કેમ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી ગંગનગરમાં 36 વર્ષીય દર્શન રતિલાલ પટેલ પરિવાર સાથે રહેતો હતો. દર્શન પરિવારનો એકનો એક દીકરો હતો,11 વર્ષ પહેલાં પિતાના અવસાન બાદ ઘરની બધી જવાબદારી દર્શન પર જ હતી. તેના પરિવારમાં વિધવા માતા, પત્ની, બે પુત્ર છે. દર્શન ગુજરાત ગેસમાં સબ કોન્ટ્રાકટર તરીકે ગેસ લાઇન નાંખવાનું કામ કરતો હતો. ગત રોજ રાત્રે વેડરોડ ખાતે આવેલા જુના ઘરેથી જહાંગીરાબાદ ઘરે બાઇક પર પરત ફરી રહ્યો હતો અને કોઝવે નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી પાલિકાનો કચરાનો ટેમ્પો પૂરપાટ ઝડપે આવ્યો હતો. ત્યારબાદ ઓવરટેક કરવા જતાં દર્શનને અડફેટે લીધો હતો. દર્શન બાઇક પરથી રોડ પર પટકાયો હતો. જેથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ દર્શનની ગંભીર હાલત જોતા તાત્કાલિક રિક્ષામાં જ નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારના એકના એક દિકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.