છોટા ઉદેપુરમાં અમદાવાદ ઈસ્કોન બ્રિજ જેવી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, બેફામ સ્પીડમાં જતી કારે એક યુવાનને અડફેટે લેતા તે હવામાં ફંગોળાયો હતો. સાથે જ આગળ ઉભેલી બાઈકને પણ ટક્કર મારી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
મળતી જાણકારી અનુસાર, છોટા ઉદેપુરમાં ગઇકાલે યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અચાનક પાછળથી પૂરઝડપે આવી રહેલી કારે તેને ટક્કર મારી હતી. જેના કારણે યુવક ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સથી જનરલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ માથાના ભાગે ગંભીર ઇજા થતાં વડોદરામાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલક રોહિત નાયર સામે ફરિયાદ નોંધી હતી. છોટાઉદેપુરમાં રંગપુર નાકા પાસે ચાલતાં જતા વડોદરાના યુવાન હર્ષદભાઇ મારવાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે હવામાં ફંગોળ્યો હતો.
ભરૂચમાં પણ એક નબીરાએ નશાની હાલતમાં કાર મકાનમાં ઘૂસાડી દીધી હતી. મળતી જાણકારી અનુસાર, અંકલેશ્વરમાં વધુ એક નબીરાએ નશાની હાલતમાં કાર મકાનમાં ઘૂસાડી દીધી હતી. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર ચાલકે કાર મકાનમાં ઘૂસાડી દીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઇ નહોતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કારને જપ્ત કરી નબીરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં આરોપી તથ્ય પટેલે પૂરઝડપે કાર ચલાવી નવ લોકોને કચડી નાખ્યા હતા. આ કેસમાં FSLની ટીમે ટ્રાફિક પોલીસને સોંપેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલ 80ની નહીં પરંતુ 141.27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની જગુઆર કાર દોડાવી રહ્યો હતો. એટલુ જ નહી જગુઆર કારની બ્રેકમાં પણ કોઈ જ ક્ષતિ ન હોવાનો આરટીઓ વિભાગે રિપોર્ટ હોવાથી હવે ટ્રાફિક પોલીસે એ દિશામાં આગળ તપાસ હાથ ધરી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial