Dahod News: દાહોદ શહેરમા બાઈક અકસ્માતમાં એકનું મોત થયું છે. બાઇક ડિવાઈડરની જાળી સાથે અથડાતા બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો. જેના કારણે તેનું મોત થયું છે.
અકસ્માત બાદ બાઇક દૂર સુધી ઘસડાઈ હતી. દાહોદ શહેરના સરસ્વતી સર્કલ નજીક આ ઘટના બની હતી. જેમાં વહેલી સવારે સામાજિક પ્રસંગ પતાવી ઘરે જઈ રહેલા વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરમાં પતિના અવસાનના ગણતરીના કલાકોમાં જ પત્નીએ પણ અંતિમ શ્વાસ સાથે વચન પૂર્ણ કર્યું હોવાનો કિસ્સો બન્યો છે. સારસ બેલડીને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. જો બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ નીપજે તો અન્ય પક્ષી પણ પોતાના પ્રાણ ત્યજી દે છે. પશુ-પંખીમાં અનોખો પ્રેમ જોવા મળે છે ત્યારે માનવ જીવનમાં પણ ભૂતકાળમાં બનેલ અનેક પ્રેમના કિસ્સાને આજે પણ યાદ કરવામાં આવે છે. જો કે આજના યુગમાં આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. લગ્ન સમયે 'સાથે જીવશું, સાથે મરશું'ના એકબીજાને વચન આપવામાં આવે છે. જે વચન જવલ્લે જ કોઈ કિસ્સામાં પૂરા થતા હોય છે. આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરની મદની સોસાયટી ખાતે રહેતા ૭૧ વર્ષીય ઈબ્રાહીમભાઈ નબીજીભાઈ વ્હોરાને છેલ્લા કેટલાક દિવસોથી ફેફસાંની બીમારી હતી. બાળપણથી જ અનેક સંઘર્ષો વચ્ચે ભંગારની ફેરી ફરીને તેઓએ પોતાના બે પુત્ર તથા બે પુત્રીઓ સહિતના પરિવારનું પાલન કર્યું હતું. દિકરા-દિકરીઓના લગ્ન બાદ ધંધો બંને પુત્રોને સોંપ્યો હતો અને અવારનવાર બાળકોને ધંધા અંગે માર્ગદર્શન આપતા હતા.
થોડા દિવસ પૂર્વે તેઓને શ્વાસની તકલીફ થતા નડિયાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબીયતમાં સુધારો થતા રજા અપાયા બાદ તેઓને ઘરે લાવવામાં આવ્યા હતા. દરમ્યાન ગત રવિવાર મોડી રાત્રીના સુમારે અચાનક જ તેઓની તબીયત લથડી હતી અને તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. સોમવાર સવારના સુમારે ઉમરેઠ નગરની મદની સોસાયટી ખાતેથી તેમનો જનાજો નીકળ્યો હતો. બપોર સુધીમાં તેઓની દફનવિધિ પૂર્ણ કર્યા બાદ પરિવારજનો ઘરે પરત ફર્યા હતા. જો કે પતિ ઈબ્રાહીમભાઈ વ્હોરાની વિદાયનો સૌથી વધુ આઘાત તેઓના સુખ-દુઃખના સાથી તેમના પત્ની જરીનાબેનને લાગ્યો હતો અને પરિવારજનોની રોકકળ વચ્ચે તે જ દિવસે માત્ર ચાર કલાક બાદ નમતી બપોરના સુમારે જરીનાબેન પણ આ ફાની દુનિયાને અલવિદા કહી ઈબ્રાહીમભાઈ વ્હોરા સાથે ખુદાની ખીદમતમાં પહોંચી ગયા હતા.