અરવલ્લી: માલપુરના મંગલપુર પાટિયા પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.  એક્ટિવા ચાલક મહિલા રોડ ક્રોસ કરતી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


તારે કિડની વેંચીને પણ હજુ વધુ પૈસા આપવા પડશે


રાજકોટ:  શહેર પોલીસે વધુ એક વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે, જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા યુવકે હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 4.30 લાખ રુપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે તારે કિડની વેચીને પણ વધુ પૈસા આપવા પડશે નહિતર ઉપાડી જઇશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહિ વ્યાજખોરનો હવાલો લઇ અન્ય બે વ્યક્તિએ પણ ધમકી આપવાની શરૂ કરી હતી.


મળતી માહિતી મુજબ , જંક્શન પ્લોટના લોહાણાચાલ વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં રાજ અરવિંદ કારિયાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી નજીકના ગોલ્ડન પોર્ટિકોટ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત સુભાષ પૂજારા, જામનગર રોડ રેલવે કોલોનીમાં રહેતા મિતેષ કિશોર કડીવાર અને નૈમિષ મહેન્દ્ર દવેના નામ આપ્યા હતા. રાજ કારિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 નવેમ્બર 2021થી 13 જુલાઇ 2022 સુધીમાં તેને અને તેની માતાને કોરોના થતા હોસ્પિટલના ખર્ચ અને અન્ય ખર્ચ માટે પ્રશાંત પૂજારા પાસેથી 20,000 રુપિયા વ્યાજે લીધા હતા અને તેને નિયમિત વ્યાજ પણ ચૂકવતો હતો. કુલ 2 લાખ 30 હજાર વ્યાજ ચૂકવવાનું થતું હતું.


રાજની માતાએ પણ તે જ્યાં કામ કરે છે ત્યાંથી ઉપાડ લઇને વ્યાજખોરના નાણાં ચૂકવ્યા હતા, અત્યાર સુધીમાં 4,30,500 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ 1.70 લાખની ઉઘરાણી શરૂ કરી હતી અને ધમકી આપી હતી કે, કિડની વેચીને પણ પૈસા તો આપવા જ પડશે નહિતર તને ઉપાડી જઇને ટાટિયા ભાંગી નાખીશ. ત્યારબાદ મિતેષ કડીવાર અને નૈમિષ દવેએ વ્યાજખોર પ્રશાંત પૂજારાનો હવાલો લઇને રાજ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી અને અપહરણ કરી જવાની ધમકી આપતા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. વ્યાજખોરો 15 થી 20 ટકા વ્યાજ લગાવતા હતા અને દરરોજની 5 હજાર સુધીની પેનલ્ટી લગાવતા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.


પત્ની અને વ્હાલ સોયા પુત્રની હત્યા કરી ઘરના મોભીએ કરી આત્મહત્યા


વડોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના વાઘોડિયા રોડની દર્શનમ ઉપવન સોસાયીટમાં 102 નંબરના ઘરમાં રહેતા પ્રિતેશ મિસ્ત્રી નામના યુવકે પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ ખુદ ગળાફાંસો આપઘાત કર્યો હતો. કયા કારણોસર આ પગલું  ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જોકે તેમાં આપઘાત માટે જવાબદાર કારણોનો ઉલ્લેખ નથી.