Surendranagar Accident: સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. લીંબડી રેલવે બ્રીજ નજીક ખાનગી લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.


બસમાં કેટલા લોકો હતા સવાર


ખાનગી બસ દ્વારકાથી અમદાવાદ જતી હતી. ખાનગી બસમાં 56 પેસેન્જર હતા. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. નાની મોટી સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


સુરતમાં હીટ એન્ડ રન


સુરત કતારગામ ગજેરા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.  મોડીરાત્રે પુરપાટ ઝડપે દોડી રહેલી બાઈકે મહિલા ને અડફેટે લીધી હતી. મહિલાને  ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદના ધોળકા ખાતે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.  ધોળકાના કરિયાણા ગામે ડમ્પરે રિવર્સ લેતા તેની નીચે બાઇક અડફેટે આવી ગઈ હતી. જે બાદ બાઈક પર સવાર ૩ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને પુત્રીના એક સાથે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી


શહેર પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.


સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. સુરતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી આગામી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે અને લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.