Honeytrap: ભાવનગરમાં ચોંકાવનારો હનીટ્રેપનો કિસ્સો બહાર આવ્યો છે. પતિ-પત્ની તરીકે રિલેશનમાં રહેતા એક યુવક અને એક યુવતીએ વાંકાનેરના વેપારીને ફસાવી તેનો ન્યૂડ વિડીયો ઉતારી અઢી કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતુ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા બંનેના કરોડપતિ બનવાના સપના એક મિનીટમાં રોળાઈ ગયા હતા. હાલ બંનેની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ભાવનગરના યુવક યુવતીને કરોડપતિ બનવાના સપના અધૂરા રહ્યા છે. સમગ્ર મામલો એ પ્રકારે છે કે, ભાવનગરમાં રહેતી એક મહિલાના પૂર્વ પતિના મિત્ર જેવો વાંકાનેરના એક વેપારી છે જેને બે જાન્યુઆરીના રોજ ભાવનગરના અકવાડા ખાતે મહિલાના ઘરે પહોંચ્યા હતા ત્યાર બાદ આ વેપારીનો ન્યૂડ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને બાદમાં આ વેપારી પાસે મહિલા સાથે રહેતા યુવકે વિડીયો વાંકાનેરના વેપારીને મોકલ્યો હતો અને અઢી કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ વેપારી દ્વારા ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને બંને યુવક યુવતીની અટકાયત કરી હતી. હાલ હનીટ્રેપના સમગ્ર મામલે વધુ તપાસ ભાવનગર પોલીસ ચલાવી રહી છે.


ધોળકા ખાતે ડમ્પર રિવર્સ લેતા સમયે સર્જાયો અકસ્માત


અમદાવાદના ધોળકા ખાતે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.  ધોળકાના કરિયાણા ગામે ડમ્પરે રિવર્સ લેતા તેની નીચે બાઇક અડફેટે આવી ગઈ હતી. જે બાદ બાઈક પર સવાર ૩ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને પુત્રીના એક સાથે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


સુરતમાં 16 જેટલા વ્યાજખોરની ધરપકડ


સુરત: શહેર પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.


સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી


સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. સુરતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી આગામી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે અને લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.