ગુજરાતમાં ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને લઈને મોટો ખુલાસો થયો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય હતું. લખનઉ RSS કાર્યાલય પર આતંકીઓ હુમલો કરવાના ફિરાકમાં હતા. 2 આતંકીઓએ લખનઉમાં RSS કાર્યાલયની રેકી કરી હતી. દિલ્હીની આઝાદપુરી મંડી પણ નિશાન પર હતી. આતંકીઓએ દિલ્હીના આઝાદપુર મંડીની પણ રેકી કરી હતી. નોંધનીય છે કે ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અમદાવાદમાંથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને દેશભરમાં 'પોઇઝન એટેક' (ઝેર દ્વારા હુમલો) કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી એક MBBS ડૉક્ટર છે, જે ઝેરી કેમિકલમાંથી અત્યંત ઘાતક ઝેર બનાવવાની ફિરાકમાં હતો.
MBBS ડૉક્ટર અહમદ મોહિઉદ્દીન ઝીલાની
ઝડપાયેલો મુખ્ય આરોપી હૈદરાબાદનો રહેવાસી ડો. અહમદ સૈયદ ઝીલાની (અબુ ખદીજા) છે. તે ચાઇનાથી MBBSની ડિગ્રી મેળવનાર ડોક્ટર છે. ઝીલાની 6 તારીખે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો અને તેની ધરપકડ અડાલજ ટોલનાકા પાસેથી કરવામાં આવી હતી. ઝીલાની પર 'રાયઝિન' (Ricin) નામનું જીવલેણ ઝેર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો અને મોટા આતંકી હુમલાઓ કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે. આ ઝેર ખૂબ ઓછી માત્રામાં પણ મોટી સંખ્યામાં લોકોને મારવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે આ ઝેર પાવડર સ્વરૂપે હોય છે અને તેને પાણી, હવા અથવા ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે. ધરપકડ પહેલા ડોક્ટર આતંકી અમદાવાદમાં લાલદરવાજા ઉતરીને લકી હોટલ સામે રોકાયો હતો.
અન્ય બે શખ્સો અને હથિયારોનો સપ્લાય
ઉત્તર પ્રદેશના મોહમ્મદ સુહેલ અને આઝાદ સુલેમાન શેખ (આઝાદ સૈફી)ની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. સુહેલ અને આઝાદ ઉત્તર પ્રદેશથી 3 વેપન, 30 કારતૂસ અને જીવલેણ કેમિકલ પ્રવાહી લાવ્યા હતા.આ બંને શખ્સોએ આ હથિયારો કલોલ ખાતે એક અવાવરુ જગ્યાએ છુપાવ્યા હતા, જે બાદમાં હૈદરાબાદના ડોક્ટર આતંકી ઝીલાનીએ રીસીવ કર્યા હતા. આ હથિયારો રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી મેળવવામાં આવ્યા હતા, અને પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયા હોવાની આશંકા છે.
પકડાયેલા આરોપીઓનો ઝુકાવ ISKP (Islamic State – Khorasan Province) નામના આતંકી સંગઠન તરફ જોવા મળે છે. અહમદ મોહિઉદ્દીન ઝીલાનીએ છેલ્લા એક વર્ષથી દિલ્હી, મુંબઈ અને લખનૌની રેકી કરી હોવાના પુરાવા મળ્યા છે. અન્ય બે શકમંદોએ પણ સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી. આ આતંકીઓનો ઈરાદો ભારતમાં મોટી સંખ્યામાં લોકોને નુકસાન પહોંચાડવાનો હતો અને મોટા આતંકી હુમલા કરવાની ફિરાકમાં હતો. ભારતમાં પહેલી વખત પોઇઝન એટેક કરવાનું આ કાવતરું હતું.
અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનૌ અને જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો તેમની રેકી અને હુમલાના નિશાના પર હતા. ઝીલાની ઘણા વિદેશી લોકોના સંપર્કમાં હતો. હથિયારો છુપાવ્યાનું લોકેશન પણ આરોપીઓએ તેમના વિદેશી હેન્ડલરને મોકલ્યું હતું, જે અબુ ખદીજા નામના શખ્સ હોવાની અને તે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનથી ઓપરેટ કરતો હોવાની આશંકા છે. હાલમાં, ગુજરાત ATS દ્વારા આ સમગ્ર આતંકી મોડ્યુલના સ્થાનિક જોડાણો અને વધુ વિગતો જાણવા માટે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.