રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રવિવારે 14 ડિગ્રી સાથે વડોદરા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ગઈકાલે રાત્રે જ્યાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં નલિયા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ ને ડીસાનો સમાવેશ થાય છે.અમદાવાદમાં સળંગ બીજા દિવસે પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ગઈકાલ રાત્રે અમદાવાદમાં 15.3 ડિગ્રી સાથે સરેરાશ
લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો તો ગાંધીનગરમાં 14.5, રાજકોટ, ડીસામાં 15.5, પોરબંદરમાં 16.7, સુરત, અમરેલીમાં 17-17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 
આગામી 3 દિવસ પણ અમદાવાદમાં 16 ડિગ્રીની આસપાસ જ ઠંડીનો પારો રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સાત દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે.

Continues below advertisement


નવેમ્બર મહિનાથી દેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનો માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ગઈકાલે શીતલહેર જોવા મળી હતી. હવામાન વિભાગે હવે ત્રણ રાજ્યો માટે ઠંડીની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં 9-11 નવેમ્બર દરમિયાન ઠંડીનું મોજું ફરી શકે છે. વધતી ઠંડીને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે. આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે, ખાસ કરીને દક્ષિણ હરિયાણા, ઉત્તરપશ્ચિમ ભારત અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના મેદાનોમાં ઠંડી પડી શકે છે. 


કયા રાજ્યોમાં વરસાદ પડશે?
હવામાન વિભાગે 9-13 નવેમ્બર દરમિયાન દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આગામી થોડા દિવસો માટે તમિલનાડુમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે. દરમિયાન, આજે કેરળ અને માહેના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.


ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફવર્ષા
હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની આગાહી કરી છે. ખાસ કરીને લાહૌલ-સ્પીતિ અને મનાલીમાં ભારે બરફવર્ષાની આગાહી છે. દરમિયાન, ઉત્તરાખંડના ચમોલી, નૈનિતાલ, મસૂરી અને રુદ્રપ્રયાગમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બનવાની ધારણા છે.


દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધ્યું
આગામી સાત દિવસમાં દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. સવારની શરૂઆત હળવા ધુમ્મસથી થશે. સવાર અને સાંજે 10-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.