Gujarat Weather:રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. માત્ર મોડી રાત્રે અને વહેલી સવારમાં ઠંડીનો અનુભવ થાય છે ત્યારબાદ ગરમી રહે છે. સરેરાસ માટો ભાગના શહેરોમાં 17 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગે  5 જાન્યુઆરી બાદ ઠંડી પડવાના સંકેત આપ્યાં છે. 5 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડી અનુભવાશે.


 જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે  આગાહી કરી છે. હાલ નલિયા, પોરબંદર અને પાટનગર ગાંધીનગરમાં 15 ડિગ્રીથી નીચે લધુતમ તાપમાન નોંધાયું છે. તો ભૂજ, રાજકોટ, અમરેલીમાં તાપમાનનો પારો ગગડીને 16 ડિગ્રીની નીચે પહોંચ્યો છે.


અમદાવાદમાં સતત ચોથા દિવસે લધુતમ તાપમાન 16 ડિગ્રીથી વધુ રહ્યું હોવાથી નહિવત ઠંડી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 15થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 5 જાન્યુઆરી બાદ અમદાવાદમાં ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


તો બીજી તરફ રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં એક સપ્તાહથી ગાઢ ધુમ્મસ છવાયું હોવા છતાં હજુ પણ એક પણ દિવસ તીવ્ર ઠંડી કે શીત લહેર જોવા મળી નથી. આજે પણ હવામાન વિભાગે ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. અનુમાન મુજબ આ વર્ષે ડિસેમ્બરમાં શિયાળો દિલ્હીથી દૂર રહ્યો છે. લગભગ 6 વર્ષ બાદ ડિસેમ્બર મહિનો કોઈ પણ પ્રકારની શીત લહેર વિના સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં એક દિવસ પણ શીત લહેર નથી. નિષ્ણાતોના મતે, અલ નીનોની અસરને કારણે આવું થવાની અપેક્ષા પહેલાથી જ હતી. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ કોલ્ડવેવની કોઈ શક્યતા નથી.


સામાન્ય રીતે રાજધાનીમાં ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ પંદર દિવસ દરમિયાન શીત લહેરનો પ્રકોપ જોવા મળે છે. અગાઉ 2017માં ડિસેમ્બર કોઈ પણ પ્રકારની શીત લહેર વગર પસાર થઈ ગયો હતો. જો કે છેલ્લા બે દિવસથી લોકો દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. શનિવારે મહત્તમ તાપમાન 20.3 ડિગ્રી હતું. આ સામાન્ય છે. લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું. આ સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ 67 થી 97 ટકા હતું. ગાઝિયાબાદનું મહત્તમ તાપમાન 15.9 ડિગ્રી અને નરેલાનું 16.7 ડિગ્રી હતું. આ દિલ્હી NCRનો સૌથી ઠંડો વિસ્તાર હતો.