Gujarat Rain Forecast :આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ભારે વરસાદના અનુમાનને લઇને નવસારી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. વરસાદને લઇને બે જિલ્લા નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ છે. તો સુરત, ડાંગ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ છે. શેર ઝોનના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે આજે દમણ અને દાદરાનગર હવેલીમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સ્થળાંતરની શક્યતાને પગલે શાળાઓમાં રાહત સેન્ટર બનાવવામાં આવ્યા છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં 107 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં ચોમાસાની સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી શક્યો છે.
ગુજરાતમાં વરસી રહેવા સારા વરસાદના કારણે રાજ્યના 206 પૈકી 121 જળાશયો હાઈએલર્ટ પર છે. તો 87 જળાશયો એલર્ટ અને વોર્નિંગ પર છે. 17 જળાશયો એલર્ટ અને 17 જળાશયો વોર્નિંગ પર છે. 85 જળાશયોમાં 70 ટકાથી વધુ ભરાયા છે. રાજ્યના 207 પૈકી 60 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 46, તો કચ્છના 10 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતનું એક જળાશય ઓવર ફ્લો છે. 206 જળાશયોમાં 64.67 ટકાથી વધુ જળસંગ્રહ છે.
વરસાદની આગાહી દરમિયાન હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે. નવસારીમાં છેલ્લા 6 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસતાં અનેક સ્થળો જળમગ્ન બની ગયા છે. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ભારે વરસાદથી પૂર્ણા નદીની સપાટી 22 ફુટને પાર પહોંચી છે. પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.