Gujarat Rain Forecast:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી છુટછવાયા વરસાદને સિવાય મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદનું પ્રમાણ ઘટતા રાજ્યમાં તાપમાન પારો ઉંચે ગયો છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. 25 સપ્ટેમ્બર બાદ ગુજરાતના માટોભાગના વિસ્તારમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થશે.


આજે  રાજ્યના 17 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે  હળવો વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદની શક્યતા છે.


આગામી 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ચાર અને બે સંઘ પ્રદેશમાં ભારે વરસાદનું હવામાન વિભાગે  યલો એલર્ટ આપ્યું છે.  તાપી,ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ.. વરસી શકે છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.


રાજ્યના આટલા ડેમમાં થયા ઓવરફ્લો


રાજ્યના કુલ 207 પૈકી 116 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો ઓવરફ્લો થયા છે. તો મધ્ય ગુજરાતના 11, દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના બે જળાશયો ઓવરફ્લો છે.પાણીની ભારે આવકથી રાજ્યના 172 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 151 ડેમ હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર  છે.


ચોમાસાની સિઝનનો ક્યો કેટલો વરસ્યો વરસાદ


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.