Gujarat Rain Forecast: લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે, બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સકર્યુલેશનના કારણે ગુજરાતમાં 26 સપ્ટેમ્બર બાદ વરસાદનું અનુમાન છે. રાજ્યના નવ જિલ્લાના પૈકી ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે છ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બે સંઘ પ્રદેશમાં પણ અતિભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર આપ્યું છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આગામી દિવસોમા વાતાવરણમાં પલટો આવશે, અમદાવાદ શહેરમાં હવે ભાદરવાની વચ્ચે અષાઢી માહોલ જામશે. અમદાવાદમાં હાલ ગરમીનો પારો 37 ડિગ્રી પર પહોંચ્યો પરંતુ .. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે.. નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના અન્ય ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નર્મદા અને તાપી જિલ્લાના કેટલાક ભાગોમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે.
સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત પાંચ અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. અમરેલી,ભાવનગર, સુરત, તાપી,ડાંગ,નવસારીઅને વલસાડ માટે આવતીકાલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.હવામાન વિભાગની આગાહી મુજબ કાલે આઠ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,ભરૂચ અને નર્મદા જિલ્લામાં કાલે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં રાજ્યના 126 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.. તો 106 તાલુકા એવા છે, જ્યાં ચોમાસાની સિઝનનો 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે 19 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
રાજ્યના ડેમની શું છે સ્થિતિ
ચોમાસાની સિઝન દરમિયાન વરસેલા વરસાદના કારણે રાજ્યના 206પૈકી 108 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાંછે. કચ્છ-સૌરાષ્ટ્રના 86 જળાશયો છલોછલ છે તો મધ્ય ગુજરાતના 11 અને દક્ષિણ ગુજરાતના નવ જળાશયો છલોછલ છે. ઉત્તર ગુજરાતના ફક્ત બે ડેમ જ સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના 174 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 153 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 13 જળાશયો એલર્ટ પર છે.. તો 70થી 80ટકા ભરાયેલા આઠ જળાશયો વોર્નિંગ પર છે.