Gujarat Rain Forecast:અરબી સમુદ્રમાં સિસ્ટમ એકિટવ થતાં ગુજરાતના વાતાવરણમાં છેલ્લા સપ્તાહથી પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી  છે.  હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં છુટછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાના પગલે રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગે

  યલો એલર્ટ જાહેર કર્યું છે.  દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગના મોડલ મુજબ આજે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે .. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે.


દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.


જામનગરના લાલપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં  ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.. ઉમિયાધઆમ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તા પાણી પાણી થયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ નુકસાનીનો વરસાદ વરસ્યો છે. વાંકાનેરના ખીજડીયા ગામ પાસેના કોઝ વે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા હાલ વાંકાનેર-રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થયો છે.


ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ આફત બન્યો છે. ભરૂચના ટંકારીયા ગામે વીજળી પડતા ત્રણના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ટંકારીયાથી પાદરીયા તરફ જતા રોડ પર વીજળી પડવાની ઘટના બની જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.  બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે.


ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ-2 ડેમના બે દરવાજા બે ફુટ ખોલી દેવાતા  નદીમાં બે હજાર 590 ક્યુસેક પાણી છોડાયું છે. મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને નદીકાંઠે ન જવાની અપીલ સાથે એલર્ટ  કરવામાં આવ્યાં છે.


અમરેલીના વડીયા પંથકમાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા પાક નુકસાનીની ખેડૂતોને  ચિંતા વધી છે. સુરેન્દ્રનગરના લખતર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  રવિવારની સાંજે.. ગાજવીજ સાથે વરસેલા વરસાદે  નુકસાન સર્જયું છે.  કપાસ, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.


સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીનો વરસાદ વરસ્યો છે. શહેરના રાજકમલ ચોક, જૂના શાક માર્કેટ,શક્તિ ચોક, બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદે  વિસ્તારો જળમગ્ન થયા છે.  તો જશાપર, દુદાપુર, નવલગઢ, જેગડતા, સતાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.


રાજ્યના કુલ 207 પૈકી 133 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 102, તો મધ્ય ગુજરાતના 14 જળાશયો ઓવરફ્લો થયા છે દક્ષિણ ગુજરાતના 12 તો ઉત્તર ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ચોમાસાની સિઝનમાં વરસેલા વરસાદથી રાજ્યના  185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 162 ડેમ હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલ 9 ડેમ એલર્ટ પર છે. ,જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 14 ડેમ વોર્નિંગ પર  છે