રાજ્યમાં ભેળસેળિયા બેફામ બન્યા છે. મહેસાણા અને પાટણમાંથી 1.39 કરોડ રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. દિવાળીના તહેવાર નજીક આવતા જ રાજ્યમાં ભેળસેળિયા બેફામ બન્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી મહેસાણા અને પાટણમાંથી 1 કરોડ 39 લાખની કિંમતનો 45 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી લીધો છે.  કડીના બુડાસણમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. હરિઓમ પ્રોડક્ટસ, રાજરત્ન એસ્ટેટમાંથી ઘીનો જથ્થો ઝડપાયો હતો. મૂળ માલિક જનકકુમાર ભાવસાર જુદા જુદા ત્રણ ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા. પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો.


ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી કે કડીના બુડાસણ ગામમાં હરિઓમ પ્રોડ્કટ્સ, રાજરત્ન એસ્ટેટમાં ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે. જેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.  જ્યાં જય અંબે સ્પાઈસીસ પેઢી પાસે FSSIનું લાયસન્સ જ ન હતું.  આ ઉપરાંત સ્થળ પર પામોલીન તેલ, ફોરેન તેલ અને ઘી મળી આવ્યું હતું. આ જોતા ઘીમાં પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ હોવાનું સ્પષ્ટ થતા 43 હજાર 100 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.  તો મૂળ માલિક અમદાવાદના જનકકુમાર ભાવસારના જુદા- જુદા ત્રણ ગોડાઉનને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સીલ મારી દીધા હતા. જોકે જનકકુમાર ભાવસાર ફરાર છે. તો પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં નીતિનકુમાર ભાઈલાલ ઘીવાલા પેઢી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. અહીં ઘીના ડબ્બા પર કોઈ પણ જાતના લેબલ જ જોવા મળ્યા ન હતાં. ભેળસેળયુક્ત ઘીના 11 સેમ્પલ લઈ 14 લાખ 30 હજારની કિંમતનું 2 હજાર 400 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. શંકાસ્પદ ઘીના નમૂના લઈ પરીક્ષણમાં લેબોરેટરીમાં મોકલાયા છે. જેના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરાશે. પામોલિન તેલ અને ફોરેન ફેટને મિક્સ કરી ભેળસેળિયા તત્વો નકલી ઘીનું બેરોકટોક વેચાણ કરે છે. વાસ્તવમાં આ નકલી ઘી શરીર માટે હાનિકારક છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડો પાડીને માત્ર દેખાડો કરી રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે દાખલારૂપ કાર્યવાહી ન થતા ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે.


મહેસાણાના કડીના બુડાસણ ગામે ઘીની તપાસ કરવા ગયેલી લોકલ ક્રાઈમબ્રાંચને સરકારી ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. બુડાસણની રાજરત્ન ઈન્ડ્સ્ટ્રીયલ એસ્ટેટમાં 25 નંબરના ગોડાઉનમાં ઘીની તપાસ માટે ગયેલી પોલીસની ટીમને 1860થી વધુ બેગ નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. સરકારી સબસિડીવાળુ નીમકોટેડ યુરિયા ખાતર હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક ખેતીવાડી વિભાગને જાણ કરી હતી. ખેતીવાડી વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતા અલગ-અલગ ત્રણ કંપનીના નીમ કોટેડ યુરિયા ખાતર હોવાનું સામે આવ્યું હતું.  બજાર કિંમત મુજબ આ ખાતરની કિંમત અંદાજિત 40 લાખથી વધુની થાય છે. જ્યારે સબસિડીમાં 4.98 લાખ રૂપિયા થાય છે. પોલીસે હાલ ખાતરનો જથ્થો સીઝ કરી ગોડાઉન માલિકની શોધખોળ શરૂ કરી છે.